નવી દિલ્હી,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર : સ્મગલિંગ અને નકલી પ્રોડક્ટસની ઘૂસણખોરી દુનિયાભરના દેશોને પ્રભાવિત કરી રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.વેપારી સંગઠન ફિક્કી કાસ્કેડનો દાવો છે કે, કોરોનાકાળમાં સ્મગલિંગ અને નકલી પ્રોડક્ટસનુ ચલણ વધ્યુ છે અને તેના કારણે સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે તથા વેચાણની પેટર્નમાં પણ બદલાવ દેખાઈ રહ્યો છે.જેની સાથે બીજી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે.સંગઠનના કહેવા પ્રમાણે ગેરકાયદે વ્યવસાય પર લગામ લગાવ્યા વગર ઈકોનોમીને નવી ઉંચાઈ પર લઈ જવુ મુશ્કેલ છે.સરકારે નકલી પ્રોડકટસ અને સ્મગલિંગ રોકવા માટે દરેક સેગમેન્ટ પ્રમાણે કામ કરવુ જોઈએ ને તેમાં પણ જ્યાં સ્મગલિંગ વધારે છે તેવા સેગમેન્ટ પર કાર્યવાહીને પ્રાથમિકતા આપવી જોઈએ.
ફિક્કી કાસ્કેડના કહેવા પ્રમાણે ભારતમાં પાંચ સેક્ટર એફએમસીજી પ્રોડક્ટસ,પેકેજ્ડ એફએમસીજી પ્રોડકટસ,તમાકુ પ્રોડકસ અને આલ્કોહોલ ડ્રિન્કસમાં 2.60 લાખ રૂપિયાનો ગેરકાયદે વેપાર થતો હોવાનુ અનુમાન છે.જેાં 75 ટકા હિસ્સો એફએમસીજીનો છે.ફિક્કી કાસ્કેડના થિન્ક ટેન્કના સભ્ય નજીબ શાહના કહેવા પ્રમાણે ઘરેલુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત બનાવીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે.આ સિવાય ગ્રાહકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવવાની તેમજ આકરી સજાની જોગવાઈ કરવી જરૂરી છે.સ્મગલિંગ અને નકલી પ્રોડક્ટસના વેપારના કરાણે ભારતમાં રોજગારીની 16 લાખ તકો ઘટી ગઈ છે.એફએમસીજી સેક્ટરમાં જ 68 ટકા નોકરીઓને નુકસાન થયુ છે.સરકારને ટેક્સમાં 58000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.જેમાં સૌથી મોટો ફાળો ટોબેકો અને આલ્કોહોલનો છે.
ફિક્કી કાસ્કેડના ચેરમેન અનિલ રાજપૂતના મતે જો ગેરકાયદે વેપાર પર લગામ કસવામાં આવે તો પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનુ સપનુ સાકાર કરવામાં ઘણી મદદ મળી શકે તેમ છે.