વિદેશી સંસ્થાકીય લેવાલી થકી ભારતીય શેરબજારમાં તેજી અકબંધ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૯૪૧.૬૪ સામે ૫૨૧૪૩.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૯૫૭.૯૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૮.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૮.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૦૦.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૬૦.૨૫ સામે ૧૫૬૮૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૫૬.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૦.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૫૩.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર હવે મંદ પડયાની સાથે દેશભરમાં વિવિધ રાજયોમાં લોકડાઉનના નિયમો હળવા કરીને અનલોક તરફના પગલાં લેવાતાં આર્થિક પ્રવૃતિઓ ફરી ધમધમતી થવાના અને આર્થિક વિકાસને વેગ મળવાના અંદાજો વચ્ચે ફંડોએ આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને આગળ વધારી હતી. દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા થઈ રહેલા પ્રયાસો સાથે આગામી દિવસોમાં ભારતને કોરોના મુક્ત કરવામાં સફળતા મળવાના અંદાજો અને સરકાર દ્વારા સ્ટીમ્યુલસના વધુ પગલાંની અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

સ્થાનિક સ્તરે વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી સર્વોચ સપાટી તરફ વધી રહ્યા છે. કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં લોકડાઉન બાદ અનલોક સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૨૭ અને વધનારની સંખ્યા ૨૪૫૫ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી ભારત અને સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ગંભીર અસરોમાંથી પસાર થઇ રહ્યું છે, જેની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ માઠી અસરો વર્તાઈ હતી. મહામારીને અંકુશમાં લેવા માટે સરકારો દ્વારા લોકડાઉન સહિતના આકરા પગલાની જાહેરાતને પગલે લગભગ તમામ ઉદ્યોગોને જબરદસ્ત ફટકો પડયો હતો, જે પછી ઔદ્યોગિક કામગીરીને પુનઃ ટ્રેક ઉપર લાવવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સરકાર અને મધ્યસ્થ બેંક દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી. હવે તેની સકારાત્મક અસરો પણ જોવા મળી રહી છે.

આપણે મહામારીમાંથી બહાર આવી રહ્યાં છે ત્યારે વિશ્વભરમાં આર્થિક પ્રવૃત્તિઓ પણ સામાન્ય સ્થિતિ તરફ પરત ફરી રહી છે. હાલના સમયમાં બજારમાં પર્યાપ્ત તરલતાની સ્થિતિનું સર્જન થયું છે અને વધારાની તરલતાનો પ્રવાહ શેરબજાર તરફ વળતાં સ્થાનિક બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા ક્રૂડ ઓઈલના ભાવો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Share Now