ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ૪૭૦ પોઈન્ટનો ઘટાડો..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૬૧.૮૧ સામે ૪૯૧૭૧.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૫૫૦.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૦.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૧.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૬૯૦.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૭૮.૨૫ સામે ૧૪૮૪૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૬૨.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૯.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૦૮.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત નરમાઈએ થઈ હતી. આર્થિક મોરચે વિકટ બની રહેલી પરિસ્થિતિ અને પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા ભાવોને લઈ મોંઘવારી અસહ્ય બની જતાં આગામી દિવસોમાં બેરોજગારીની સમસ્યામાં પણ ચિંતાજનક વધારાના સંકેતે કેન્દ્ર અને રાજય સરકારો માટે મોટા પડકારોને લઈ ફંડો, મહારથીઓએ સાવચેતીમાં શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતા આજે ભારતીય શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો.

દેશભરમાં કોરોનાની બીજી લહેર ઝડપી અનેક લોકોને ઝપટમાં લઈ રહી હોઈ મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, કેરળ સહિતના રાજયોમાં સંક્રમિતોની સંખ્યામાં અસાધારણ વૃદ્વિને લઈ ચિંતા વધતાં અને દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવાના સ્પષ્ટ એંધાણે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં થઈ રહેલી વેચવાલી વધતી જોવાઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૮ અને વધનારની સંખ્યા ૧૫૮૬ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલ રહ્યા બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોમાં છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે.

આગામી દિવસોમાં ભારતના માર્ચ ૨૦૨૧ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ અને મેન્ફેકચરીંગ ઉત્પાદનના જાહેર થનારા આંક અને એપ્રિલ ૨૦૨૧ મહિના માટેના રીટેલ ફુગાવાના અને ૧૪, મે ૨૦૨૧ના હોલસેલ ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકાના બોન્ડ યીલ્ડમાં વધઘટ અને કોરોનાની વૈશ્વિક અસર વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં અફડાતફડી પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Share Now