– દેશની સાત રાષ્ટ્રીય અને 11 પ્રાદેશિક પાર્ટીઓએ આ સમયગાળામાં ચૂંટણી પ્રચાર પાછળ 6500 કરોડનો સત્તાવાર ખર્ચ કર્યો છે
– દેશની બે મોટી પાર્ટીઓએ કુલ ખર્ચના 77 ટકા નાણાં વાપર્યા, ચૂંટણીની પબ્લિસિટી પાછળ ભાજપે 2000 કરોડ વાપર્યા છે
ગાંધીનગર : ભારતની 18 રાજકીય પાર્ટીઓએ પાંચ વર્ષમાં ચૂંટણી પાછળ સત્તાવાર 6500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે જે પૈકી એકમાત્ર ભાજપે કુલ ખર્ચના 52.5 ટકા એટલે કે 3400 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા છે.આ ખર્ચ સાત રાષ્ટ્રીય અને 11 પ્રાદેશિક પાર્ટીઓએ કર્યો છે.
2015થી 2020 દરમ્યાન દેશમાં આવેલી ચૂંટણીઓમાં આ ખર્ચ કરવામાં આવ્યો છે.ભારતના ચૂંટણી પંચને સોંપવામાં આવેલા રાજકીય પાર્ટીઓના ખર્ચના વાર્ષિક ઓડીટ રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે.જો કે આ આંકડો સત્તાવાર છે પરંતુ બિન સત્તાવાર અને નહીં નોંધાયેલા ખર્ચના આંકડા મૂળ રકમ કરતાં ચાર ગણા હોઇ શકે છે.
ફેક્ટ ચેકરના એનાસિસિસ રિપોર્ટમાં જણાવ્યું છે કે સાત રાષ્ટ્રીય પાર્ટીમાં ભાજપ,કોંગ્રેસ,બીએસપી,એનસીપી,સીપીઆઇ,સીપીએમ અને ટીએમસીનો સમાવેશ થાય છે,જ્યારે પ્રાદેશિક પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી,એઆઇએમઆઇએમ,જનતાદળ યુનાઇટેડ, જનતાદળ સેક્યુલર,અકાલીદળ,એઆઇએડીએમકે,ડીએમકે,શિવસેના,લોક જનશક્તિ પાર્ટી,વાઇએસઆર કોંગ્રેસ,તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતાદળ સામેલ છે.
રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષમાં આવેલી ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ ખર્ચ કર્યો છે.કુલ ખર્ચના 3600 કરોડ રૂપિયાનો ખર્ચ એકલા ભાજપે કર્યો છે.મતલબ એ થયો કે દેશની તમામ પાર્ટીઓમાં સૌથી શક્તિશાળી અને મજબૂત પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે.કોંગ્રેસે કુલ ખર્ચના 21.41 ટકા એટલે કે 1400 કરોડનો ખર્ચ કર્યો છે. દેશની કુલ 18 પાર્ટીઓ પૈકી બે મોટી પાર્ટીઓએ કુલ ખર્ચના 77 ટકા ખર્ચ કર્યો છે.
સમાજવાદી પાર્ટીએ 3.95 ટકા, ડીએમકે એ 3.06 ટકા, વાયએસઆર કોંગ્રેસે 2.17 ટકા, બીએસપીએ 2.04 ટકા અને ટીએમસીએ 1.83 ટકાનો ખર્ચ કર્યો છે.પાંચ વર્ષમાં ભાજપે પોતાના કુલ ખર્ચમાંથી એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી પાછળ 2000 કરોડનો ખર્ચ કર્યો છે.ઉમેદવારોને આર્થિક મદદ કરવા પાર્ટીએ 11.25 ટકા ખર્ચ કર્યો છે. મોરચા, રેલી અને આંદોલન પાછળ 7.2 ટકાનો ખર્ચ જોવા મળ્યો છે.
બીજી તરફ કોંગ્રેસે પાંચ વર્ષમાં પ્રચાર પાછળ 40.08 ટકા એટલે કે 560 કરોડ અને ચૂંટણી દરમ્યાન યાત્રાઓ પાછળ 17.47 ટકા ખર્ચ કર્યો છે.પશ્ચિમબંગાળમાં બહુમત સાથે સત્તામાં આવનારી ટીએમસીએ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પાછળ 154.28 કરોડનો સત્તાવાર ખર્ચ કર્યો છે.જો કે ભાજપે આ રાજ્યમાં કેટલો ખર્ચ કર્યો છે તેના આંકડા હજી પુરા પાડવામાં આવ્યા નથી.