ભારતીય શેરબજારમાં યુટિલિટીઝ – ઓટો સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૫૯.૦૬ સામે ૬૦૦૯૯.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૧૧.૪૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૪.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૧૩૫.૭૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૦૦.૧૦ સામે ૧૭૮૯૮.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૦૫૯.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૭૫.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય મજબૂતીએ થઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાની સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ સાથે કોરોનાની ત્રીજી લહેર નહીં આવવાના નિષ્ણાંતોના અભિપ્રાય અને ભારતમાં ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિ ધમધમતી થવા લાગી હોવા સાથે વૈશ્વિક મોરચે પણ વેપાર – ઉદ્યોગમાં થઈ રહેલા વધારા વચ્ચે ચાઈનામાં પાવર – એનર્જી કટોકટીના પરિણામે ઘણા ઔદ્યોગિક એકમો બંધ કરવાની ફરજ પડી રહી હોઈ સામે વૈશ્વિક નિકાસ માંગમાં વૃદ્વિના પરિણામે ભારતીય ઉદ્યોગોને ફાયદો થવાના અંદાજો વચ્ચે કંપનીઓની કામગીરીમાં મજબૂત રિકવરીની અપેક્ષાએ ફંડોએ યુટિલિટીઝ, પાવર, ઓટો શેરોની આગેવાનીમાં તેજીનું તોફાન મચાવી અને મેટલ અને રિયલ્ટી શેરોમાં આક્રમક તેજીએ ફરી બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી કુદવી હતી.

ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં અપેક્ષા મુજબ રેપો રેટ – વ્યાજ દર ૪%ની સપાટીએ જાળવી રાખતા દેશના આર્થિક વિકાસને વેગ આપવાની દિશામાં ફુગાવા – મોંઘવારીના પરિબળને અવગણીને સિસ્ટમમાં વધુ નાણા પ્રવાહિતા જળવાઈએ માટે પ્રોત્સાહનો પગલાં લેતાં અને સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગો – ક્ષેત્રોને પ્રોત્સાહનો આપવાનું જાહેર આજે તેની પોઝિટિવ અસરે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક, ટેલિકોમ અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૧ અને વધનારની સંખ્યા ૧૯૫૨ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં મહામારી પર અંકુશ મુકાવાની સાથોસાથ સરકાર દ્વારા અર્થતંત્રની વૃધ્ધિ માટે ભરાયેલ પગલાંની બજાર પર સાનુકુળ અસર થવા પામી છે, તો બીજી તરફ રિઝર્વ બેંક દ્વારા પણ લોન મોરેટોરીયમ તેમજ નીચા વ્યાજ દર અમલી બનાવાતા વિવિધ ધંધા – રોજગાર તેમજ ઉદ્યોગોને મોટી રાહત થઇ હતી. તો બીજી તરફ વિશ્વના મોટા ભાગના દેશોની મધ્યસ્થબેંક દ્વારા પણ રાહતના પગલા ભરાયા સહિતના અન્ય સાનુકુળ અહેવાલોની ભારતીય શેરબજાર પર સાનુકુળ અસર થતા તેમાં સુધારા જોવા મળો છે. વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે.

કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. જોકે કોરોના સંક્રમણમાં ઘટાડા સામે પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે  મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ અને આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રાજયોની ચૂંટણીઓની તૈયારી વચ્ચે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત બીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સાથે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Share Now