ઓટો – પાવર તેમજ ટાટા ગ્રુપના શેરોમાં ફંડોની ભારે લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ …!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૨૮૪.૩૧ સામે ૬૦૬૧૯.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૪૫૨.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૪.૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૨.૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૭૩૭.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૦૨.૫૫ સામે ૧૮૦૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૦૪૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૫.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૦૨.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત તેજીએ થઈ હતી. ગત સપ્તાહના અંતે રિઝર્વ બેન્કની ધિરાણ નીતિના પગલાં બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર સી. રંગરાજને પણ ભારતીય અર્થતંત્ર આગામી વર્ષોમાં ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રીલિયન ડોલરનું પહોંચવાનું ઊજળું ચિત્ર બતાવતાં અને રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ માટે જીડીપી વૃદ્વિનો અંદાજ ૯.૫% જાળવતાં અને ગત વર્ષના એપ્રિલની તુલનાએ ભારતની સ્થિતિ અત્યારે ઓકટોબર માસમાં ઘણી સારી હોવાનું જણાવતાં પોઝિટીવ અસરે ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી હતી.

વૈશ્વિક એનર્જી ક્રાઈસીસમાં ચાઈના અને યુરોપના દેશો સપડાતાં વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડવાના એંધાણ અને એના પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થઈ રહેલા વધારાની નેગેટીવ અસર છતાં આજે ટાટા ગ્રુપ તેમજ લાર્જકેપ શેરોમાં ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેકસે ૬૦૮૩૬ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૨૦૭ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

દેશમાં આર્થિક વૃદ્વિને વેગ આપવા કેન્દ્ર સરકારના સતત પ્રોત્સાહનો, રાહતોના પગલાં અને ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને કોરોના સંક્રમણ દૂર થઈ રહ્યું હોઈ ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિઓને મળી રહેલા વેગને પરિણામે ભારતીય શેર બજારોમાં આજે ઐતિહાસિક તેજી આગળ વધી હતી. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને રહેતાં આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડાની અપેક્ષાએ પણ સેન્ટીમેન્ટ પર પોઝિટીવ અસર જોવાઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૮ અને વધનારની સંખ્યા ૧૭૬૦ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્ષ ૨૦૨૨નુ ભારતની ઈકોનોમી માટે ઘણુ સારૂ સાબિત થશે તેવી આગાહી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF દ્વારા કરવામાં આવી છે. કોરોનાના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ઈકોનોમીમાં ૭.૩%નો ઘટાડો નોંધાયો હતો પણ હવે તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. આ વાતને IMF પણ સમર્થન આપી રહ્યુ છે. IMF દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ અનુમાન પ્રમાણે વર્ષ ૨૦૨૧માં ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ ૯.૫% અને વર્ષ ૨૦૨૨માં ૮.૫% રહેશે. ઉપરાંત ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હશે.

લેસેટ્સ અનુમાનોમાં કહેવાયુ છે કે,વર્ષ ૨૦૨૧માં સમગ્ર દુનિયાનો ગ્રોથ રેટ ૫.૯% અને વર્ષ ૨૦૨૨માં ૪.૯% રહે તેવુ અનુમાન છે. દુનિયાની સૌથી મોટી ઈકોનોમી અમેરિકાનો ગ્રોથ રેટ આ વર્ષે ૬% અને આગામી વર્ષે ૫.૨% રહેવાનો અંદાજ છે. ચીનની ઈકોનોમી ૨૦૨૧માં ૮%ના અને ૨૦૨૨માં ૫.૬%ના દરે વધશે. જ્યારે બ્રિટન આ વર્ષે ૬.૮%ના ગ્રોથ રેટ સાથે બીજા ક્રમે, ૬.૫%ના રેટ સાથે ફ્રાન્સ ત્રીજા ક્રમે અને ૬%ના ગ્રોથ રેટ સાથે એ પછીના સ્થાને રહેશે. કોરોનાના રસીકરણના મોરચે ભારતનો દેખાવ સારો રહેતા અને તેના કારણે ઈકોનોમીને મદદ મળી રહી છે.

Share Now