વડોદરામાં મહિલાના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા લારીમાં લઈ જવાયો

288

વડોદરા : રાજ્યમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે.કોરોનાની મહામારી વચ્ચે વડોદરાના રસ્તા પર વરવા દૃશ્યો સામે આવ્યા છે.જેમાં એક પરિવારના સ્વજનનું અવસાન થતા પરિવારના સભ્યોએ તંત્ર પાસે એમ્બ્યુલન્સ અથવા તો શબવાહિની માગણી કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ ન મળતા પરિવારના સભ્યોને વૃદ્ધ મહિલાનો મૃતદેહ લારીમાં મૂકીને અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવાની ફરજ પડી હતી.

રિપોર્ટ અનુસાર વડોદરા શહેરના નાગરવાડા શાકમાર્કેટ પાસે રહેતા એક પરિવારમાં 66 વર્ષના વૃદ્ધનું કુદરતી અવસાન થયું હતું. અંતિમ સંસ્કાર માટે તેમને સ્મશાન સુધી પહોંચાડવા માટે પરિવારના સભ્યોએ વડોદરા મહાનગરપાલિકા પાસેથી એમ્બ્યુલન્સ તેમજ શબવાહિનીની માગણી કરી હતી.મૃતક વૃદ્ધાના પરિવારના સભ્યોએ એમ્બ્યુલન્સ અને શબવાહિની સેવા પૂરી પાડતી એજન્સીનો સંપર્ક કર્યો હતો.પરંતુ આ પરિવારના સભ્યોને એમ્બ્યુલન્સ કે, શબવાહીની મળી શકી ન હતી કારણ કે, કોરોનાની મહામારીના કારણે એમ્બ્યુલન્સ અને શબવાહિની કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સ્મશાન સુધી લઈ જવામાં રોકાયેલી છે અને આ જ કારણે નાગરવાડા વિસ્તારમાં રહેતા પરિવારને વૃદ્ધ મહિલાના મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે લારીની મદદ લેવી પડી હતી.

પરિવારના સભ્ય વૃદ્ધાના મૃતદેહના લારીમાં મૂકીને ઘરેથી દોઢ કિલોમીટર દૂર આવેલા સ્મશાન સુધી પહોંચાડ્યો હતો અને ખાસવાડી સ્મશાનમાં મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સના અભાવે મહિલાના મૃતદેહને લારીમાં મૂકીને સ્મશાન સુધી પહોંચાડવાની ઘટના એ ચર્ચા જગાવી છે. આ ઉપરાંત વૃદ્ધાના આ પ્રકારે અંતિમ સંસ્કાર કરવામાં આવતા પરિવારના સભ્યોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.

મહત્ત્વની વાત છે કે, વડોદરામાં કોરોના વાયરસ દિનપ્રતિદિન વકરી રહ્યો છે અને કોરોનાના સંક્રમણને રોકવા માટે વડોદરા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ તમામ પ્રયાસ કરી રહ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ વડોદરામાં સ્ટેસ્ટિંગ સેન્ટરો ઊભા કરવા માટે સૂચના આપવામાં આવી છે.વડોદરામાં કોરોનાના કેસની સાથે-સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે.મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે.મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં મૃત્યુ આંકમાં વધારો થતો હોવાના કારણે સ્મશાનમાં પણ વેઇટિંગ હોવાનું સામે આવી રહ્યું છે.

Share Now