બારડોલી : સુરત જિલ્લાની સાથે સાથે તાપી જિલ્લો પણ ભગવા રંગે રંગાયો હતો.તાપી જિલ્લામાં નિઝર અને વ્યારા વિધાનસભા ભાજપ જીતવામાં સફળ રહી છે.બંને વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે હતી.જે હવે ભાજપે કબ્જે કરી છે.જેમાં વ્યારામાં ઇતિહાસ સર્જાયો છે.આઝાદી બાદ પ્રથમ વાર આ વિધાનસભા જીતવામાં ભાજપને સફળતા મળી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું 2022ની ચૂંટણીમાં પૂર્ણ થયું છે.
તાપી જિલ્લામાં આજરોજ 171 વ્યારા અને 172 નિઝર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા.જેમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે.આ બંને વિધાનસભા કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે.જેમાં વ્યારા વિધાનસભામાં આઝાદી પછી આજદિન સુધી કોંગ્રેસ જ જીતતું રહ્યું છે.માત્ર એક ટર્મ માટે અહીં તાત્કાલિકન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને હરાવી અપક્ષ ઉમેદવાર અમરસિંહ ઝેડ.ચૌધરી વિજેતા થયા હતા.જો કે ત્યારબાદ અહીં કોંગ્રેસ ચૂંટણી જીતતું આવ્યું હતું.હાલના ધારાસભ્ય પુનાજી ગામીત પણ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મ સુધી ચૂંટણી જિતતા આવ્યા હતા.હાલમાં યોજાયેલી ચૂંટણીના આજરોજ જાહેર થયેલા પરિણામમાં પુનાજી ગામિત ત્રીજા નંબર પર ધકેલાયા હતા.અહીં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કોંકણીએ આ બેઠક જીતી લીધી હતી.ભાજપાના મોહન કોંકણીને 69633 મત,કોંગ્રેસના પૂના ગામિતને 45904 અને આપના બીપીનચંદ્ર ચૌધરીને 47513 મતો મળ્યા હતા.ભાજપના મોહન કોંકણીનો 22120 મતોથી વિજય થયો હતો.
નિઝર બેઠક પર તાપી જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. જયરામ ગામિત તેમજ કોંગ્રેસના ધારાસભ્ય સુનિલ ગામિત તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો હતો.પ્રથમ રાઉન્ડથી જ જયરામ ગામિત સરસાઈ મેળવતા રહ્યા હતા.અંતે જયરામ ગામિત વિજેતા થયા હતા.જયરામ ગામિતને 97461 મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસના સુનીલ ગામિતને 74301 અને આપના અરવિંદ ગામિતને 35781 મતો મળ્યા હતા.ભાજપના જયરામ ગામિતે 23160ની સરસાઈ સાથે જીત પ્રાપ્ત કરી હતી.
BJP એ ગુજરાતમાં 20 વર્ષમાં પહેલીવાર એક ખ્રિસ્તીને પોતાની પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો છે.પાર્ટીએ વ્યારા સીટથી તેમને ટિકીટ આપી છે.ભાજપાએ મોહન કોકણીને આ સીટ પર કોંગ્રેસનાં પુનાજી ગામીતની સામે ઊભા રાખેલ છે.જે આ સીટથી 4 વખત વિધાયક બનેલ છે.
48 વર્ષનાં છે મોહન કોકણી
48 વર્ષનાં કોકણી તાપી જિલ્લાનાં વ્યારા સીટથી ભાજપાનાં ઉમેદવાર છે.આ સીટ પર આદિવાસીઓ અને ખ્રિસ્તીઓની ઘણી આબાદી જોવા મળે છે.ડોલવા તાલુકાનાં હરિપુરા ગામમાં રહેતાં કોકણી થકી આ વખતે ભાજપ કોંગ્રેસની સીટ છીનવી લેવા ઇચ્છે છે.આ વિસ્તારમાં 2.23 લાખ એટલે કે કુલ 45% વોટર્સ ખ્રિસ્તી છે.
1995થી ભાજપનાં સદસ્ય છે કોકણી
ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી બનેલ 64 વર્ષનાં ગામિત 2007થી કોંગ્રેસનાં વિધાયક છે.તો બીજી તરફ કોકણી એક સામાજિક કાર્યકર્તા અને ખેડૂત છે.તે 1995થી જ ભાજપ સાથે સંકળાયેલા છે. 2015નાં તેમણે કોંગ્રેસનાં કોપરેટિવ નેતા માવજી ચૌધરીને તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માત આપી હતી.આ સમય પર તે તાપી જિલ્લા પંચાયતનાં અધ્યક્ષ હતાં.
મોહન કોકણીએ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો
મોહન કોકણીએ પાર્ટીનાં નેતૃત્વનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમનામાં પાર્ટીએ વિશ્વાસ દેખાડ્યો છે.તેમણે કહ્યું કે 1 ડિસેમ્બરનાં હું વ્યારાની સીટ પરથી ઇતિહાસ રચી શકું છું અને મને તેનો વિશ્વાસ છે. વ્યારાનું રાજનૈતિક માહોલ બદલાઇ ગયેલ છે અને હું વિધાનસભાનાં 72000 વોટર્સ પર ભરોસો કરું છું.