ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ : પાંચ વર્ષમાં ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું

37

– ગુજરાતના 42 બંદરમાંથી 17 નોન-મેજર પોર્ટ કાર્ગો હેન્ડલ કરે છે
– અફઘાનિસ્તાનમાં 90 ટકા ડ્રગ્સ બને,સાઉદી દેશોથી ગુજરાતમાં એક્સપોર્ટ કરી દેશના બીજા રાજ્યના કોઈ બંદરથી વિશ્વના કોઈપણ દેશમાં મોકલવાનું ડ્રગ્સ માફિયાઓનું આયોજનબધ્ધ નેટવર્ક

અમદાવાદ-ભૂજ : મુંદ્રા બંદરેથી પકડાયેલું ૨૧૦૦૦ કરોડનું ૩૦૦૦ કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઉતરવાનું હતું તેવી વાતો લાંબા સમયથી થઈ રહી છે.પરંતુ, સત્તાવાર સૂત્રો સ્પષ્ટપણે કહે કે વિશ્વસ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે. આ બાબતથી દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે.ડ્રગ્સ માફિયા આયોજનબધ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે.ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે.એક્સપોર્ટ,ઈમ્પોર્ટ થકી ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરાય છે તેમાં કોઈ એક-બે બંદર નહીં ગુજરાતના કુલ ૪૨ બંદરમાંથી કોઈપણ બંદરનો ઉપયોગ થઈ શકે છે તેમ જાણકારોનું કહેવું છે.

અત્યાર સુધીમાં નથી પકડાયો તેટલો ૨૧૦૦૦ કરોડની કિંમતના ડ્રગ્સનો વિશાળ જથ્થો મુંદ્રા બંદરથી પકડાયો છે.આ જથ્થો ગુજરાત માટે કે દિલ્હી, મુંબઈ કે દેશના અન્ય રાજ્ય માટે હોવાની વાતો થઈ રહી છે.જો કે, સત્તાવાર સૂત્રો નામ નહીં આપવાની શરતે કહે છે કે ડ્રગ્સનો આ જથ્થો દેશના અન્ય રાજ્યમાં જવાનો હતો એ ચોક્કસ છે પણ ગુજરાત કે દેશના બીજા રાજ્યમાં જ આ ડ્રગ્સનો ઉપયોગ થવાનો હતો તે ચોક્કસપણે કહી ન શકાય.કારણ એ છે કે, ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના બંદરોનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરતાં થયાં છે. ૯૦ ટકા ડ્રગ્સનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે.અફઘાનિસ્તાનમાં દરિયો ન હોવાથી ઈરાન સહિતના અરેબિયન કન્ટ્રીના બંદર અને પેઢીઓમાંથી ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી થાય છે.તાજેતરમાં જ ગુજરાતના મુંદ્રાથી પકડાયેલું ડ્રગ્સ હોય કે પોરબંદરમાંથી પકડી પડાયેલો ડ્રગ્સનો જથ્થો હોય, આ તમામ જથ્થો ગુજરાતમાં આવ્યો પણ ખપત થવાની નહોતી.

અધિકારી સૂત્રો કહે છે કે, ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરી રહ્યાં છે.ખાસ કરીને ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા ૪૨ બંદરોમાંથી ૧૭ નોન-મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન કન્ટ્રીમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે. ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારની કોઈ પેઢીમાં જાય છે.આ કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે.ભારતથી સામાન એક્પોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે – તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે.ગુજરાતના બંદરો ઉપર એકસ્પોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકીંગ કરવું શક્ય નથી.આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.

જો કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત એટીએસ સતર્ક બની છે.આ પછી એટીએસ સાથે કોસ્ટ ગાર્ડ,નેવી સહિતની એજન્સીઓ સંકલિત કામગીરી કરવા લાગી છે.હવે, ડીઆરઆઈ અને કસ્ટમ્સ જેવી એજન્સીઓ પણ સક્રિય બની છે.મોટા ભાગની કેન્દ્રિય એજન્સીઓ પણ મુંદ્રા અને પોરબંદરના ડ્રગ્સ કાંડ પછી સતર્ક બની છે.સૂત્રો કહે છે કે, આવનારાં દિવસોમાં માલસામાનની દરિયાઈ રસ્તે હેરાફેરીના મામલે આવનારાં દિવસોમાં નવી કડક પોલિસી ઘડાઈ શકે છે.ભારત ૭૫૦૦ કિલોમીટરની કોસ્ટલાઈન ધરાવે છે અને ૨૦૦ મેજર- નોનમેજર પોર્ટ છે.આ પૈકીના ૧૨ મેજર પોર્ટ ઉપર જ ૬૦ ટકાથી વધુ ટ્રાફિક છે.જો ગુજરાત અને દેશની એજન્સીઓ સંયુક્ત કાર્યવાહી કરશે તો વિશ્વને ડ્રગ્સના દુષણમાંથી મુક્તિનો નવો અધ્યાય આલેખાઈ શકે છે.

મુંદ્રા હોય કે પોરબંદર, દરિયાઈ રસ્તેથી ડ્રગ્સની જેટલી હેરાફેરી થાય છે તેટલી ડિમાન્ડ ગુજરાતમાં તો નથી જ

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પાંચ જ વર્ષમાં ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું

સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે.આ વાતની સાબિતી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટા કન્સાઈનમેન્ટ સાથે ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડયું તેના પરથી મળે છે.

– ૧૫-૯-૨૦૨૧: મુંદરા પોર્ટ ઉપર ઈમ્પોર્ટ કરાયેલા ટેલ્કમ પાઉડરના નામે ૨૧ હજાર કરોડની કિંમતનું ૩૦૦૦ કિલો હેરોઈન ડીઆરઆઈએ પકડયું છે. દેશવ્યાપી તપાસ ચાલુ

– ૬-૧-૨૦૨૧: જખૌ પાસેથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ૧૭૫ કરોડની કિંમતના ૩૫ કિલો હેરોઈન સાથે છ આરોપીને પકડી પાડયા હતા.

– એપ્રિલ-૨૦૨૧- મુંદરા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની પકડાયા હતા. જે ૩૦૦૦ કરોડના હેરોઈન સાથે પકડાયા હતા. ગત વર્ષે હજીરા પોર્ટ ઉપરથી ૧૨૦ કરોડની નશીલી દવાઓ પકડાઈ હતી.

– મે ૨૦૧૯- જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી ૨૮૦ કિલો ડ્રગ સાથે ૬ પાકિસ્તાની નાગરીક ઝડપાયા હતા.

– ૨૭-૩-૨૦૧૯: ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે બોટ આંતરીને ૫૦૦ કરોડની કિંમતનું ૧૦૦ કિલો હેરોઈન અને ૨૫ કરોડની કિંમતના મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. ૧૧ આરોપી પકડાયા છે.

– ૧૨-૮-૨૦૧૮: ગુજરાત એટીએસની ટીમે સલાયા નજીક બોટમાં હેરોઈનની હેરાફેરી કરતાં પાંચ શખ્સને પકડયા હતા. ૧૫ કરોડની કિંમતનું ૮ કિલો હેરોઈન કબજે કરાયું હતું.

– જુલાઈ-૨૦૧૭ બ્લુચિસ્તાનમાંથી ગુજરાત આવવા નિકળેલ જહાજમાંથી કોસ્ટગાર્ડે ૧૫૦૦ કિલો હેરોઈન કોસ્ટગાર્ડે દરિયામાંથી ઝડપી પાડયો હતો

– ૨૦ ડિસે. ૨૦૧૬- મુંદરા અદાણી પોર્ટ ઉપરથી નિકળેલા જહાજમાંથી શ્રીલંકામાં ૮૦૦ કિલો કોકેન પકડાયું હતું જેની કિંમત ૧૨૦૦ કરોડ હતી.આ કંસાઈન્ટમેન્ટ ગાંધીધામની ટીમ્બર પેઢીના નામે હતું અને જહાજ સાઉદી અરેબીયાથી ભારત આવ્યું હતું.

Share Now