– ભાજપના પૂર્વ સાંસદની જામીન અરજીના વિરોધમાં હાઇકોર્ટ સમક્ષ રજૂઆત, ચુકાદો અનામત
અમદાવાદ : આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં આજીવન કેદની સજામાં હાલ જેલમાં બંધ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરી છે અને જામીનની માગણી કરી છે.જેની સુનાવણી દરમિયાન અમિત જેઠવાના પરિવાર તરફથી વિવિધ પુરાવાઓ અને વિગતો દર્શાવી આક્ષેપ કરાયો હતો કે આ કેસમાં ગુજરાત પોલીસ શરુઆતથી જ દીનુ સોલંકીને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી.અંતે સી.બી.આઇ.એ તપાસ હાથ ધર્યા બાદ યોગ્ય તપાસ થઇ હતી.બન્ને પક્ષોની રજૂઆત સાંભળી ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.
અમિત જેઠવાના પિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દીનુ સોલંકી દ્વારા ગીરમાં થતા ગેરકાયદે ખનન સામે અમિત જેઠવાએ હાઇકોર્ટમાં રિટ કરી હતી અને દીનુ સોલંકી અને તેના ભત્રીજાને કોર્ટે નોટિસ આપી જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.નોટિસ બાદની સુનાવણી થાય તે પહેલાં જ હાઇકોર્ટના ગેટ બહાર જ ગોળી મારી તેની હત્યા કરવામાં આવી હતી.હત્યાની દસ મિનિટ બાદ અમિત જેઠવાની પત્ની ત્યાં હાજર હતી અને ૧૫ મમિનિટ બાદ અધિક કમિશનર મોહન જા પણ ત્યાં હાજર હતા.આમ છતાં તેની ફરિયાદ પોણા કલાક બાદ નોંધવામાં આવી હતી.તેની પત્ની ત્યાં હોવા છતાં કોન્સ્ટેબલને ફરિયાદી બનાવી ફરિયાદ નોંધવામાં આવી હતી.હાઇકોર્ટના આદેશ બાદ સી.બી.આઇ.એ તપાસ હાથમાં લેતા યોગ્ય તપાસ થઇ છે.તપાસની તમામ વિગતો જોતા કહી શકાય તેમ છે કે ગુજરાત પોલીસ શરુઆતથી જ દીનુ સોલંકીને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી.
આ ઉપરાંત તેમના તરફથી દીનુ સોલંકીના ગુનાઇત ઇતિહાસને લગતી વિવિધ વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન કોડીનાર પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સપેક્ટર કે ઇન્સપેક્ટર તરીકે કોઇ પોસ્ટિંગ મેળવવા માગતું નહોતું. કારણ કે દીનુ સોલંકી કહે તે વ્યક્તિ સામે ફરિયાદ નોંધવી પડતી અને તે કહે તે આરોપીને છોડી મૂકવો પડતો.અમિત જેઠવા કેસના એક સાક્ષીના દીકરાના અપહરણનો આરોપ પણ તેના સામે છે. તેથી તેને જામીન મળવા જોઇએ નહીં.