– કેન્દ્રે હવાઈદળના નવા ચીફની જાહેરાત કરી
– વિવેક ચૌધરી એર સ્ટાફના વાઈસ ચીફ, વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફ રહી ચૂક્યા છે
નવી દિલ્હી : એર માર્શલ વિવેકરામ ચૌધરી ભારતીય હવાઈદળના નવા ચીફ તરીકે હોદ્દો સંભાળશે. વર્તમાન પ્રમુખ આર.કે.એસ. ભદૌરિયા ૩૦મી સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.તેમના પછી વિવેકરામ ચૌધરી નવા ચીફની જવાબદારી સંભાળશે.તેઓ હાલ એર સ્ટાફના વાઈસ ચીફપદે સેવા આપી રહ્યા છે.
સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, ભારતીય હવાઈદળના વર્તમાન પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે. એસ. ભદૌરિયાનો કાર્યકાળ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ પૂરો થઈ રહ્યો છે.કેન્દ્ર સરકારે ભદૌરિયાના ઉત્તરાધિકારી તરીકે હવાઈદળના નવા પ્રમુખની પસંદગી કરી લીધી છે.મંત્રાલયે જણાવ્યું કે હવાઈદળના વર્તમાન વાઈસ ચીફ વિવેકરામ ચૌધરીની આગામી ચીફ ઓફ એર સ્ટાફપદે નિમણૂક કરાઈ છે.
એર માર્શલ વિવેક રામ ચૌધરીની આ વર્ષે ૧લી જુલાઈએ એરમાર્શલ હરજીત સિંહ અરોરાના સ્થાને એર સ્ટાફના વાઈસ ચીફનો હોદ્દો સંભાળ્યો હતો.આ પહેલા તેમણે હવાઈ દળના વેસ્ટર્ન એર કમાન્ડ (ડબલ્યુએસી)ના કમાન્ડર-ઈન-ચીફના રૂપમાં સેવા આપી હતી,જે સંવેદનશીલ લદ્દાખ ક્ષેત્ર સાથે ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સલામતીની જવાબદારી સંભાળે છે.નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એરમાર્શલ ચૌધરી ૨૯ ડિસેમ્બર, ૧૯૮૨ના હવાઈદળની ફાઈટર સ્ટ્રીમાં જોડાયા હતા. ૩૮ વર્ષની કારકિર્દીમાં ચૌધરીએ મિગ-૨૧, મિગ-૨૩ એમએફ, મિગ-૨૯ અને સુખોઈ-૩૦ એમકેઆઈ જેવા ફાઈટર પ્લેન ઉડાવ્યા છે અને ૩,૮૦૦ કલાકથી વધુના ઉડ્ડયનનો અનુભવ ધરાવે છે.