ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર લાગુ થશે ”નો રિપીટ ” થીઅરી : આગામી ચૂંટણીમાં 60 ટકા ધારાસભ્યો થઇ જશે ઘર ભેગા

52

– રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલા જૂના નિર્ણયોમાં ધરખમ ફેરફાર કરી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.ત્યારબાદ રાજ્યમાં નો રિપીટ થિયરી સાથે નવી સરકારની રચના કરવામાં આવી છે.એટલે કે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ નવા અને યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.બીજી તરફ આગામી 2022ની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ગયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર,આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવી સરકારની જેમ ધારાસભ્યોમાં પણ નો રિપીટની થિયરી લાગુ થઈ શકે છે.એટલે કે, વિજય રૂપાણીની સરકારના ધારાસભ્યોમાંથી 60 ટકાને પડતા મુકી નવાને ટિકિટ આપવામાં આવી શકે છે.

ગુજરાતમાં શરૂ થઈ નવી સરકાર નવા નિયમની નીતિ?

ગુજરાત રાજકારણની હાલની સ્થિતિ જોતા એવું જણાય છે કે, નવી સરકાર નવા નિયમ.એટલે કે રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલા જૂના નિર્ણયોમાં ધરખમ ફેરફાર કરી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.તાજેતરની જ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને અધિકારીઓને ઓફિસમાં હાજર રહેવાની જે સૂચના આપી છે.જોકે રૂપાણી સરકાર સમયે આ પ્રકારનો કોઈ નિયમ ન હતો.બીજી તરફ નવા મંત્રીઓ પણ ચાર્જ સંભાળવાની સાથે જ કામે લાગી ગયા છે.અને શિક્ષણ, આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ પર કડક અને સહાય કામગીરી શરૂ કરી દેવાઈ છે.

સિનિયર ધારાસભ્યોનું શું થશે?

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ માટેની ગતિવિધિઓ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે,ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલને ચૂંટણીના એક વર્ષ પહેલાં સ્પષ્ટતા કરવી પડી છે,પરંતુ ભાજપે એવી સોગઠી મારી છે કે એક તરફ જાહેર કર્યું કે 60 વર્ષની ઉંમરની મર્યાદા વિધાનસભાની ટિકિટ માટે નથી તો બીજી બાજુ એવું પણ ગોઠવાઈ રહ્યું છે કે ત્રણ ટર્મ થઈ સળંગ ચૂંટાઈ રહેલા ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી,એટલે મોટા ભાગના સિનિયર ધારાસભ્યો ઘેર બેસી શકે છે.

પ્રદેશ ટીમની રચનામાં પાટીલની જ પસંદગી ચાલી હતી

ગુજરાત ભાજપમાં હવે પાટીલનું જ વર્ચસ્વ ચાલી રહ્યું હોવાની પણ ચર્ચા છે.પાટીલે 150થી વધુ વિધાનસભા બેઠક જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા ગુજરાતમાં પોતાની રીતે નિર્ણય લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતી લીધો હોવાનું પણ મનાઈ રહ્યું છે, કેમકે હાલમાં ભાજપની પ્રદેશ ટીમની રચનામાં પાટીલની જ પસંદગી ચાલી હતી.એટલું જ નહીં,સંગઠન મહામંત્રીમાં પણ ભીખુભાઈ દલસાણિયાને બદલે રત્નાકરને મૂકવામાં આવ્યા છે.

કેન્દ્રીય પાર્લમેન્ટરી પણ ફોર્મ્યુલા માટે સહમત થઈ શકે છે

સીઆર પાટીલ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠક જીતવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે,એટલે કેન્દ્રીય પાર્લમેન્ટરી કમિટી પણ આ નિયમો અને ફોર્મ્યુલા માટે સહમત થઈ જાય તો એમાં કોઇ નવાઇ નથી.આ સ્થિતિમાં સી.આર.પાટીલ જે યુવાનો પાસેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામ લીધું તેમને પ્રાધાન્ય આપે એવી શક્યતાઓ છે.બીજી તરફ ‘આપ’ પણ નવયુવાનોને તક આપી રહી છે.ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.

6 મહિનામાં જ ભાજપે પાંચ મુખ્યમંત્રી બદલ્યા

2022માં માત્ર ગુજરાત જ નહીં પરંતુ પંજાબ,ઉત્તરાખંડ,ઉત્તરપ્રદેશ,મણીપુર,ગોવા અને હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.ભાજપે માત્ર 6 મહિનામાં જ પાંચ રાજ્યમાં મુખ્યમંત્રી બદલાયા છે.જ્યારે ઉતરાખંડમાં તો 6 મહિના દરમિયાન બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા.પાર્ટી નેતૃત્વએ આ વાતને વધુ મહત્ત્વ આપવું જરૂરી નથી માન્યું કે ક્યાંક આનો ખોટો મેસેજ જાય.ગુજરાતમાં જે પરિવર્તન થયું એનું ખાસ મહત્ત્વ એટલા માટે છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીનું ગૃહ રાજય છે.રાજનીતિક વર્તુળમાં એવું માનવામાં આવે છે કે ગુજરાતનો મુખ્યમંત્રી કોઈપણ હોય, પણ સત્તાના ‘તાર’ દિલ્હી સાથે જ જોડાયેલા રહે છે.

Share Now