– રમનસિંહ-સંબિત પાત્રા સામે તપાસ સામેના સ્ટે સામેની અરજી નકારાઈ
– કોંગ્રેસની ટૂલ કિટ સામે રમનસિંહ અને સંબિત પાત્રાએ ટ્વીટર પર ટિપ્પણી કરતા તેમની સામે કેસ દાખલ કરાયો હતો
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવાયેલી કથિત ટૂલકિટ પર ભાજપના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રમનસિંહ અને પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટર પર ટિપ્પણી કરી હતી તે બદલ છત્તીસગઢની કોંગ્રેસી સરકારે તેમના પર કેસ કરી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.હાઇકોર્ટે બંને નેતાઓ સામે તપાસ કરવાની સરકારની કાર્યવાહી સામે મનાઈહુકમ આપ્યો હતો. છત્તીસગઢ સરકાર આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.સુપ્રીમ કોર્ટે છત્તીસગઢ સરકારની આ મુદ્દે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તમારી પાસે આના સિવાય બીજું કશું કામ નથી.મહેરબાની કરીને તેમારી ઊર્જા આવા કાર્યો પાછળ નહી પણ જનસેવા પાછળ ખર્ચો.
ન્યાયાધીશ બીઆર ગવઈ અને હિમા કોહલીની બેન્ચે હાઇકોર્ટે આપેલા આદેશમાં દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કર્યો હતો અને હાઇકોર્ટને આ કેસમાં ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું હતું.કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલી કથિત ટૂલકિટ દેશને બદનામ કરવા લાવવાની હોવાનું બહાર આવ્યા પછી રમનસિંહ અને સંબિત પાત્રાએ કરેલી ટ્વીટની સામે છત્તીસગઢ ખાતે એનએસયુઆઇની પ્રમુખ આકાંક્ષા શર્માએ એફઆઇઆર નોંધાવી હતી.તેમના પર બનાવટી વાત ફેલાવીને લોકોમાં અશાંતિ જગાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ભાજપના નેતાઓની રજૂઆત સાંભળ્યા પછી હાઇકોર્ટે ૧૧મી જુનના રોજ તેમની સામેની તપાસ પર પ્રતિબંધ મૂકતા જણાવ્યું હતું કે એફઆઇઆરમાં કરવામાં આવેલા આરોપના લીધે કોઈપણ પ્રકારની રાજકીય શાંતિનો ભંગ થતો નથી અને આ આરોપો રાજકીય ઇરાદાથી પ્રેરિત છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.આ સ્પષ્ટપણે બંને પક્ષો વચ્ચેની રાજકીય દુશ્મનાવટ છે.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે પ્રથમદર્શી ધોરણે જ જણાઈ આવે છે કે એફઆઇઆર રાજકીય ઇરાદાથી કરવામાં આવી છે.આ આદેશને પડકારતા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે હાઇકોર્ટે ભૂલથી તેઓને વચગાળાના જામીન આપી દીધા છે.