બારડોલી : સુરત જિલ્લાના બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ ચૌધરી અગાઉ જિલ્લા પોલીસ વડાની કચેરીની રીડર શાખામાં ફરજ બજાવતા હતા તે દરમ્યાન કડોદરા લઠ્ઠાકાંડ સમયે પોલીસ વિરુદ્ધ નોંધાયેલા ગુનાના કામના કેસ પેપરો ઇરાદાપૂર્વક પોતાની પાસે રાખી મુખ્ય હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કરી દેતા ચકચાર મચી ગઇ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે વર્ષ 2016 દરમ્યાન સર્જાયેલા લઠ્ઠાકાંડ દરમ્યાન કડોદરા પોલીસ સ્ટેશનમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ એસ.ઓ.જી. એલ.સી.બી.માં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાની ફરિયાદ જે તે સમયના જિલ્લા પોલીસ વડા રીડર પી.એસ.આઈ.એ કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જે અંગેની તપાસ સુરત શહેર પોલીસને સોંપવામાં આવી હતી.જે અંગે તપાસ દરમ્યાન કોર્ટમાં સી- સમરી ભરવામાં આવી હતી.આ ગુનાના કામના કેસ પેપરો કડોદરા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે આ સમયે સુરત જિલ્લા પોલીસના હે.કો. જયંતિભાઈ ચૌધરી જિલ્લા પોલીસ વડાની રીડર શાખામાં ફરજ બજાવતા હતા.જે તે સમયે તેમના વિરુદ્ધ લઠ્ઠાકાંડ દરમ્યાન સાંઠગાંઠનો ગુનો નોંધાયો હતો.એ જ કેસ પેપરો તેમની પાસે આવતા તેમણે ઉચ્ચ અધિકારીને સુપ્રત કરવાની જગ્યાએ પોતાની પાસે ઓફિસમાં રાખી મુક્યા હતા.સદર ગુનાના કેસ પેપરો ગાંધીનગર ખાતે મંગાવવામાં આવતા ફરી કડોદરા પોલીસ સ્ટેશનમાં કેસ પેપર અંગે તપાસ કરાવવામાં આવતા કેસ પેપર જિલ્લા પોલીસ વડાની કચેરીની રીડર શાખામાં ઇરાદપૂર્વક રાખી મુકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું જેને આધારે પ્રાથમિક તપાસ દરમ્યાન હાલ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયંતીભાઈ ચૌધરીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દેતા ફફડાટ ફેલાયો છે.