BJP નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ,ધારાસભ્ય મુશરીફ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

34

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ બુધવારે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ વિરુદ્ધ નવઘર મુલુંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો છે કે, કોલ્હાપુર જતા સમયે પોલીસે તેમને અટકાવ્યા હતા અને ગેરકાયદેસર રીતે તેમને કસ્ટડીમાં લીધા હતા.ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશરીફ સામે ભ્રષ્ટાચારના આરોપો બાદ જિલ્લા અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાની ચિંતાને ટાંકીને તેમને કરાડમાં રોક્યા હતા.

કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ

ફરિયાદ નોંધાવ્યા બાદ સોમૈયાએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસે મને ખોટી રીતે અટકાયતમાં લીધો હતો.મને કોલ્હાપુર જતા રોકીને સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.ગણેશ વિસર્જનના દિવસે મને મારા નિવાસસ્થાનમાંથી બહાર આવતાં રોકવામાં આવ્યો હતો.મેં ભારતીય દંડ સંહિતાની કલમ 149, 340, 341, 342 હેઠળ મુલુંદ અને એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનને કાનૂની નોટિસ આપી છે. ઉપરાંત જણાવ્યુ હતુ કે, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારે 24 કલાકમાં મારી માફી માંગવી પડશે.

પોલીસ પર ગેરવર્તનનો આરોપ

કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે, સોમવારે વહેલી સવારે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન પરથી તેની અટકાયત કરવામાં આવી હતી.ઉપરાંત મુંબઈ પોલીસ દ્વારા તેને કોલ્હાપુર માટે ટ્રેનમાં ચઢતા રોકવામાં આવ્યો હતો અને તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.વધુમાં સોમૈયાએ મુશરીફ પર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે મુશરીફ પર ગઢિંગલાજ કોઓપરેટિવ સુગર મિલમાં 100 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તે તેનાથી સંબંધિત દસ્તાવેજો તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સોંપશે.

ધારાસભ્ય મુશરીફ પર લગાવ્યો આરોપ

થોડા દિવસો પહેલા સોમૈયાએ ગ્રામીણ વિકાસ મંત્રી અને કોલ્હાપુર જિલ્લાના કાગલના ધારાસભ્ય મુશરીફ પર ભ્રષ્ટાચાર અને સંબંધીઓના નામે “બેનામી” મિલકત હોવાનો આરોપ લગાવ્યો હતો.જો કે મુશરીફે તમામ આરોપોને નકાર્યા છે.ભાજપના નેતાએ જણાવ્યુ હતુ કે, તેમણે મુશરીફ વિરુદ્ધ 2,700 પાનાની ફરિયાદ સાથે આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સહકાર મંત્રાલયનો સંપર્ક કર્યો છે.

Share Now