સાળા સાથે વાત કરતા કરતા જ બનેવીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો

80

વડોદરા : સાળા સાથે ફોન પર વાત કરતા કરતા જ બનેવીએ ઝેરી દવા ગટગટાવી લેતા સાળો ઘરે દોડી ગયો હતો.અને બનેવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો.પંરતુ,બનેવીનું મોત થયું હતું.જ્યારે અન્ય એક બનાવમાં છૂટાછેડા પછી ડિપ્રેશનમાં રહેતી ૨૩ વર્ષની મહિલાએ આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,અકોટા વિસ્તારમાં પિયરમાં રહેતી નિશા નવાજુદ્દીન અનસારી (ઉ.વ૨૩) ના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા.પરંતુ, સાસરીમાં કોઇ બાબતે મનદુખ થતા સાત મહિના પહેલા તેના છૂટાછેડા થઇ ગયા હતા.છેલ્લા કેટલાક સમયથી તે ડિપ્રેશનમાં રહેતી હતી.ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે તેણે ઘરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.જે અંગે ગોત્રી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ખોડિયાર નગર ચાર રસ્તા પાસે મોતી પાર્ક સોસાયટીમાં રહેતા સુરેશ નટુભાઇ પરમાર ગોત્રી વિસ્તારની દવાની દુકાનમાં નોકરી કરે છે.પ્રથમ પત્ની સાથે પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થતા તેણે બીજી મહિલા સાથે ફૂલહાર કર્યા હતા.અને પિતાથી અલગ મોતી પાર્ક સોસાયટીમાં રહેતો હતો.તેની પત્ની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે.ગઇકાલે સાંજે સુરેશને તેના સાળા સાથે ફોન પર વાત ચાલતી હતી.તે દરમિયાન અચાનક બનેવી કંઇક પી રહ્યા હોવાનું લાગ્યું હતું.અને થોડીવાર પછી બનેવીએ વાત કરવાનું બંધ કરી દીધું હતું.જેથી,તેણે પોતાની બહેનને વાત કરી હતી.તેઓએ ઘરે જઇને જોયું તો સુરેશ પરમારે ઝેરી દવા પી લીધી હોવાનું જણાતા તેઓ સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ,તેમનું મોત થયું હતું.જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.રમેશભાઇએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપઘાતના ત્રીજા બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સમા વિસ્તારમાં રહેતા નાથુ છગનભાઇ પરમાર (ઉ.વ.૫૮) છૂટક મજૂરી કામ કરે છે.આજે સવારે તેમણે અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે સમા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ચોથા બનાવમાં કારેલીબાગ કીર્તિકુંજ પાસે હરિનગરમાં રહેતા ૬૫ વર્ષના રેખાબેન બેચરભાઇ મિસ્ત્રીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.જે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.

Share Now