– અનુભવી અને યુવાઓનું સંતુલન કરાશે : ખુદ વડાપ્રધાન મોદી દરેકે દરેક બેઠકના ‘ફીડબેક’ મેળવી રહ્યા હોવાનો નિર્દેશ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે માંડ બે-અઢી મહિના બાકી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો પ્રચારથી માંડીને ઉમેદવાર પસંદગી સુધીની પ્રક્રિયાની તૈયારી કરી રહ્યા છે ત્યારે સત્તાધારી ભાજપ અર્ધોઅર્ધ બેઠકોમાં નવા ચહેરાઓને ટીકીટ આપે તેવા મહત્વના સંકેત સાંપડ્યા છે.વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી સંબંધી એકથી વધુ સર્વે કરાવી જ લીધા છે.સત્તા વિરોધી માહોલને દૂર કરવા માટે અર્ધોઅર્ધ ઉમેદવાર બદલીને નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.ભાજપ દ્વારા ગત વર્ષે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ સુધીની આખેઆખી સરકાર બદલીને આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો જ હતો.ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ હોવાને કારણે ભાજપ માટે ચૂંટણી અત્યંત મહત્વની છે અને તેમાં કોઇ કચાશ કે બાંધછોડ કરવા માંગતી નથી.આ જ કારણોસર ભાજપના તમામ સિનિયર નેતાઓ વારાફરતી ગુજરાતના પ્રવાસ કરીને ચૂંટણીની તૈયારી વધુ તેજ બનાવી રહ્યા છે.છેલ્લા 27 વર્ષથી ભાજપ સતા પર છે અને તેને કારણે શાસન વિરોધી માહોલ ઉભો થવાનું સ્વાભાવિક છે.ગત વર્ષે કોરોના કાળ દરમિયાન સરકારની નિષ્ફળતાનો વ્યાપક ઉહાપોહ થયો જ હતો.પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત આખેઆખી સરકાર બદલાવી નાખવામાં આવી હતી તે પાછળનો ઇરાદો પ્રજાની નારાજગી દૂર કરવાનો જ હતો.હવે વિધાનસભા ચૂંટણી માથે છે ત્યારે હાઈકમાન્ડ દ્વારા તમામ પ્રકારના ફીડબેક મેળવવામાં આવી રહ્યા છે અને તેના આધારે જ અર્ધોઅર્ધ બેઠકોમાં નવા ચહેરાની પસંદગી કરવામાં આવે તેવા સંકેત સાંપડ્યા છે.
ભાજપના જ ટોચ લેવલના સુત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોઢ દાયકા સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહયા હતા અને દરેકે દરેક ક્ષેત્રથી સંપૂર્ણ રીતે માહિતગાર છે.આ જ કારણોસર તેઓ વ્યક્તિગત રીતે જ દરેકેદરેક સીટની ફીડબેક મેળવી રહ્યા છે.ગૃહમંત્રી અમિત શાહ તથા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ વખતોવખત ગુજરાત પ્રવાસ કરીને સંગઠન તથા ચૂંટણી રણનીતિને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.વિપક્ષને લાગે વળગે છે ત્યાં સુધી કોંગ્રેસ તો અત્યંત નબળી ગણાઇ રહી છે પરંતુ આમ આદમી પાર્ટીએ જેસુત્રોના કહેવા પ્રમાણે રણનીતિના ભાગરુપે જ ભાજપ અર્ધોઅર્ધ નવા ચહેરાને સ્થાન આપશે.અનુભવીની સાથોસાથ યુવા નેતાઓનું સંતુલન કરવામાં આવશે. 75 વર્ષથી ઉપરના નેતાઓને ટીકીટ આપવામાં નહીં આવે.જો કે એકાદ-બે બેઠકોમાં અપવાદરુપ ટીકીટ આપવામાં આવે તેવી શક્યતા નકારાતી નથી.2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182માંથી 99 બેઠકો મળી હતી અને ત્યારબાદ કોંગ્રેસ જેવા પક્ષોનાં ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.ભાજપનો વ્યૂહ એવો છે કે નવા ચહેરા સાથે પ્રજાની વચ્ચે જવાથી જીતની ટકાવારી વધી શકશે.
ભાજપની ચૂંટણી રણનીતિ મોદી હસ્તક જ રહેશે
ભાજપના સુત્રોએ જણાવ્યું છે કે પ્રચારથી માંડીને ઉમેદવાર પસંદગીની રણનીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તક જ રહેશે.રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. ન્ડડ્ડાએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન સ્પષ્ટ કરી દીધું હતું કે ભાજપને લક્ષ્યથી હટવાનું નથી. વડાપ્રધાન મોદી જે કાર્ય કરી રહ્યા છે તેને જ આગળ વધારવાનું છે.તેનો સીધો અર્થ એવો થાય છે કે વડાપ્રધાન મોદી હસ્તક જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કમાન રહેશે.
75 વર્ષથી વધુની વય ધરાવતા નેતાઓને ટીકીટ નહીં
ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટેના કોઇ માપદંડ જાહેર કરવામાં આવ્યા નથી.પાર્ટી કાર્યકરોમાં જુદી-જુદી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપ 75 વર્ષથી અધિકની ઉંમર ધરાવતા નેતાઓને ટીકીટ નહીં આપે જો કે અપવાદરુપ કિસ્સામાં એકાદ-બે સીટ પર વિચારણા થઇ શકે છે.