એડિશનલ મેજિસ્ટ્રેટના ત્યાં દરોડો, 21 પ્લોટ, 5 વાહનો સહિત કરોડોની સંપત્તિ જપ્ત કરાઈ

91

– 4 DSP, 10 ઈન્સપેક્ટર, 4 ASI અને અન્ય કર્મચારીઓના નેતૃત્વમાં 8 ટીમોએ બુધવારે સુંદરગઢ જિલ્લામાં તંગરાપલ્લીના એડિશનલ મેજિસ્ટ્રેટની સંપત્તિઓ પર દરોડા પાડ્યા હતા.

ભુવનેશ્વર, તા. 22 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર : ઓડિશામાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટને મોટી સફળતા સાંપડી છે.ઓડિશા વિજિલન્સે બુધવારે સુંદરગઢ જિલ્લામાં એક એડિશનલ મેજિસ્ટ્રેટના ઘરે દરોડા પાડ્યા હતા જેમાં કરોડોની બેનામી સંપત્તિનો ખુલાસો થયો છે.આવક કરતાં વધારે મિલકતના કેસમાં અધિક મેજિસ્ટ્રેટ કુલમણિ પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.મેજિસ્ટ્રેટ કુલમણિ પટેલ સામે આવક કરતા વધારે મિલકતો હસ્તગત કરવાના આરોપો બાદ 6 બિલ્ડીંગ અને 21 પ્લોટ સહિત કરોડોની સંપત્તિનો પર્દાફાશ થયો છે.

કુલમણિ પટેલને ત્યાં દરોડા બાદ સ્ટેટ વિજિલન્સને અત્યાર સુધીમાં 2 ભવન, 4 મકાન, 21 પ્લોટ, 2 ટ્રેક્ટર અને 5 વાહન મળી આવ્યા છે. 4 DSP, 10 ઈન્સપેક્ટર, 4 ASI અને અન્ય કર્મચારીઓના નેતૃત્વમાં 8 ટીમોએ બુધવારે સુંદરગઢ જિલ્લામાં તંગરાપલ્લીના એડિશનલ મેજિસ્ટ્રેટની સંપત્તિઓ પર દરોડા પાડ્યા હતા.એક અધિકારીએ જણાવ્યું કે, દરોડા દરમિયાન વિજિલન્સ ડિપાર્ટમેન્ટના ઓફિસરોને લેફ્રિપાડામાં એક કરોડ રૂપિયાની 3 માળની આવાસીય ઈમારત અને ચિતાભંગામાં 46.29 લાખ રૂપિયાની બે માળની ઈમારત મળી આવી હતી.એટલું જ નહીં વિજિલન્સ અધિકારીઓને ડુમ્બરબહાલમાં 3 રહેણાંક સંકુલ અને સુંદરગઢ જિલ્લાના પ્રમુખ વિસ્તારમાં 21 પ્લોટ પણ મળી આવ્યા હતા.અધિકારીએ જણાવ્યું કે, ટેક્નિકલ વિંગ આ ઈમારતો અને પ્લોટની વિગતવાર માપણી કરી રહી છે.ઓડિશા સરકારની ભ્રષ્ટાચાર વિરોધી વિંગે પટેલના 14.48 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતા 3 ફોર વ્હીલર, બે ટ્રેક્ટર અને 14 લાખ રૂપિયાના બે ટ્રેલરનો પણ પર્દાફાશ કર્યો છે.દરોડા દરમિયાન મેજિસ્ટ્રેટના 7.81 લાખ રૂપિયાના મૂલ્યના સોના અને ચાંદીના ઘરેણાં સાથે 37.68 લાખની બેંક અને વીમા ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી હતી.

Share Now