સુરત, તા. 22 સપ્ટેમ્બર 2022, ગુરુવાર ; સુરતમાં શ્રાવણ માસ બાદ શ્રાદ્ધ પક્ષમાં સુરતનું એક ઐતિહાસિક શિવ મંદિર શ્રધ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ ઐતિહાસિક મંદિર તેના ઐતિહાસિક મહત્વ સાથે સાથે શ્વાન ભક્તિના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.સુરતના અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં 400 વર્ષ કરતાં પણ જુના શિવ મંદિરમાં ભોળાનાથના દર્શન અને આરતીનો લ્હાવો લેવા માટે સોસાયટીના શ્વાન અહીં ખૂદ આવે છે.તાપી પુરાણમાં જેનો ઉલ્લેખ છે,અંદાજે 400 વર્ષ કરતાં પણ જુનું ઐતિહાસિક નીલકંઠ મહાદેવના મંદિરમાં શિવના દર્શન માટે શ્વાનની હાજરી અવશ્ય જોવા મળે છે.
શિવના દર્શન અને સવાર સાંજની આરતી સમયે સોસાયટીના ચાર જેટલા શ્વાન અહીં હાજરી આપે છે.આટલું જ નહીં પરંતુ આરતીની શરુઆત થાય ત્યારે આવેલા શ્વાન આરતી સાથે સુર પુરાવતા હોય તેમ મોઢા ઉંચા કરીને અવાજ કાઢે છે.ભોળાનાથની આરતી સમયે આ શ્વાન મંદિરમાં આવી જાય છે અને આરતી પુરી થતા જતા પણ રહે છે.આરતી પૂરી થયા બાદ પ્રસાદ લઈને આ શ્વાન સોસાયટીમાં ફરીથી ફરતા થઈ જાય છે.મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ હોવા છતાં મંદિર પરિસર પાસે જઈ સમગ્ર આરતીના દર્શન કરે છે.ભક્તો પણ આ કુતરાને મહાદેવનો ભક્ત માને છે.છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ સિલસિલો ચાલતો હોય શ્રધ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને મંદિરની આરતીમાં હાજર રહેતાં ઠાકરશીભાઈ કહે છે, છેલ્લા ચારેક વર્ષથી આ મંદિરમાં આરતીની શરૂઆત પહેલા શંખનાદ સાથે નગારા વગાડવામા આવે છે તેની સાથે સાથે સોસાયટીમાં ફરતાં શ્વાન મંદિરમાં આવી જાય છે.આરતી વખતે શ્વાન સોસાયટીમાં હોય કે સોસાયટીની બહાર હોય પરંતુ આરતી શરુ થવાની સાથે શ્વાન મંદિરમાં આવી જાય છે.આટલું જ નહીં પંરતુ આરતી બાદ જ્યારે પ્રસાદ વહેચવામાં આવે છે ત્યારે ભક્તો પહેલો પ્રસાદ શ્વાનને આપે છે અને શ્વાન આ પ્રસાદ ખાઈને શ્વાન ફરીથી સોસાયટીમાં ફરતા થઈ જાય છે.