ભારતે 7મી વખત જીત્યો મહિલા એશિયા કપ : ફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું

125

ભારતે સાતમી વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે.ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું હતું.શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારતીય બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શનની સામે શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 65 રન જ બનાવી શકી હતી.જેમાં શ્રીલંકા તરફથી ઇનોકા રનવેરાએ સૌથી વધુ 18 રન બનાવ્યા હતા અને ભારત તરફથી રેણુકા સિંહ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી. ઉપરાંત રાજેશ્વરી ગાયવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી હતી.જવાબમાં ભારતે 8.3 ઓવરમાં બે વિકેટના નુકસાને 71 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

મંધાનાએ સિક્સર ફટકારીને અપાવી જીત

સ્મૃતિ મંધાનાએ સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને ખિતાબ અપાવ્યો હતો.જેણે વર્ષ 2011 માં મહેન્દ્ર સિંઘ ધોની દ્ધારા જીતાડેલાં વર્લ્ડ કપની યાદ અપાવી હતી.મંધાના 25 બોલમાં 51 રન બનાવીને અણનમ રહી હતી.તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ રહી 11 રન બનાવ્યા હતાં.

14 વર્ષ બાદ ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ એશિયા કપના ઈતિહાસમાં શ્રીલંકા સામેની 5મી ફાઈનલ મેચ જીતી લીધી છે.બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 ફાઈનલ રમાઈ છે,જેમાં ટીમ ઈન્ડિયાએ આ તમામ જીત મેળવી છે.ભારતીય ટીમ સતત આઠમી વખત ફાઇનલમાં પહોંચી હતી,જેમાં ભારતે 14 વર્ષ બાદ એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.અગાઉ 2008માં બંને સામસામે આવ્યાં હતા.

Share Now