ભાજપ શાસિત પાંચ પાલિકા સુશાસનમાં “નાપાસ”, અંદાજીત રૂ. 23 કરોડના બાકી વીજ બીલને લઈ પ્રજા અંધારા ઉલેચશે

66

– ભરૂચ DGVCL દ્વારા નર્મદા અને ભરૂચની 5 પાલિકાના 109 વોટર વર્ક્સ અને 408 સ્ટ્રીટલાઈટના ₹23 કરોડના બાકી બીલની ઉઘરાણી સામે વીજ કનેકશન કટનો વીજ કરંટ આપવાનું શરૂ
– સૌથી વધુ રાજપીપળા પાલિકા ₹13.15 કરોડ વીજ બીલની ભરપાઈ કરવામાં મોટી બાકીદાર

શુક્રવારથી પાલિકાના પાપે ભરૂચના શહેરીજનોને મુખ્ય માર્ગ ઉપર અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે.વોટર વર્ક્સ અને સ્ટ્રીટલાઈટના રૂપિયા 6.33 કરોડનું વીજ બિલ બાકી હોય 80 સ્ટ્રીટલાઈટના જોડાણો DGVCL એ કાપી નાખ્યા છે.ભરૂચ જિલ્લામાં ચારેય પાલિકા,જિલ્લા પંચાયત,નવ તાલુકા પંચાયતમાં ભાજપનું રાજ છે.આટલું જ નહીં પાંચેય વિધાનસભા બેઠકો ઉપર પણ ભાજપે તાજેતરની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવતા પાંચ ધારાસભ્યો પણ ભાજપના જ છે.

જોકે ભાજપ શાસિત ભરૂચ,અંકલેશ્વર,આમોદ અને જંબુસર પાલિકામાં સુશાસનના અભાવે નગરજનોને અંધારા ઉલેચવાની નોબત આવી પડી છે.ચારેય પાલિકાના વોટર વર્કસ અને સ્ટ્રીટલાઈટના જોડાણોનું રૂપિયા 9.55 કરોડનું વીજ બિલ બાકી હોય દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પાલિકાના સ્ટ્રીટ લાઈટોના જોડાણો કાપવાની શરૂઆત કરી છે.

ભરૂચ પાલિકામાં વોટર વર્ક્સના 33 જોડાણો,સ્ટ્રીટલાઈટના 241 વીજ કનેક્શનનું બાકી રૂપિયા 6.13 કરોડના બીલની ઉઘરાણી સામે નાણાકીય વર્ષના અંતને લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે.શુક્રવારે ભરૂચના સ્ટેશન રોડ,પાંચબત્તી,શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગોની 80 સ્ટ્રીટલાઈટના જોડાણ એક ઝાટકે કાપી નખાયા છે.

આમોદમાં પાલિકાએ વીજ કંપનીને 2.13 કરોડ,જંબુસર પાલિકાએ વીજ બીલના 1.53 કરોડ અને અંકલેશ્વર પાલિકાએ 6.57 લાખ ભરવાના બાકી છે.આગામી સમયમાં જો વીજ બિલો ભરવામાં પાલિકા નિષ્ફળ રહી તો ચારેય નગરોમાં અંધારા છવાઈ શકે છે.ભરૂચ DGVCL સર્કલમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા પાલિકા જ વીજ કંપનીની ₹13.15 કરોડની બાકીદાર છે.

કઈ પાલિકાએ સરકારી વીજ કંપનીને કેટલા ચુકવવાના બાકી

– રાજપીપળા પાલિકા : ₹13.15 કરોડ,વોટરવર્ક્સ 18 અને સ્ટ્રીટલાઈટના 36 જોડાણ

– ભરૂચ પાલિકા : ₹6.13 કરોડ,વોટરવર્ક્સ 33 અને 241 સ્ટ્રીટલાઈટ

– આમોદ પાલિકા : ₹2.13 કરોડ બાકી,વોટરવર્ક્સ 6 અને સ્ટ્રીટલાઈટ 20 કનેક્શન

– જંબુસર પાલિકા ₹1.53 કરોડનું બાકી વીજ બિલ, 24 વોટરવર્ક્સ અને 12 સ્ટ્રીટલાઈટ

– અંકલેશ્વર પાલિકા : ₹6.57 લાખ, 28 વોટર વર્ક્સ અને 99 સ્ટ્રીટલાઈટ

Share Now