સુરેન્દ્રનગરમાં પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત 600 BJP કાર્યકરોનું મંથન, બે દિવસની કારોબારી બેઠકમાં ઘડાશે પ્લાન

36

સુરેન્દ્રનગરમાં ભાજપની કારોબારીનો આજથી પ્રારંભ થયો છે.બે દિવસની આ કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય કારોબારીમાં થયેલી ચર્ચા,પ્રસ્તાવોને સમર્થન આપવાના કામકાજ હાથ ધરાશે.તેમજ વિધાનસભા ચૂંટણીમાં કયા બુથમાં ભાજપને ઓછા મત મળ્યા છે તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાંત શિસ્ત સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે પણ કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો લીડ સાથે વિજયી બને તેની રણનીતિ અંગે ચર્ચા શરૂ કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવામાં આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યારસુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. 27 વર્ષની ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં એન્ટિઇન્કમબન્સી નડી નથી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના મતોમાં 19 લાખ મતોનો તફાવત હતો તે આ વખતની ચૂંટણીમાં વધ્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 80 લાખ મતોનો તફાવત છે.ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ આ જ પ્રકારનું પ્રદર્શન કરે એ અંગે ચર્ચા કરવામાં આવશે.સુરેન્દ્રનગર ખાતે મળી રહેલી આ બે દિવસની કોરાબારી બેઠકમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યૂગલ પણ ફૂંકવામાં આવશે અને પ્રદેશ ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.પ્રદેશ કારોબારીની બેઠકમાં રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં જે ચર્ચા કરાઈ હતી અને તેમાં જે મુદ્દાઓ મંજૂર કરવામાં આવ્યા છે તેને અનુમોદન આપવામાં આવશે.નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઐતિહાસિક વિજય અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

પેજ કમિટી,પેજ પ્રમુખો,કાર્યકરોના પરિશ્રમ થકી કેન્દ્ર અને ગુજરાતની યોજનાઓના લાભ જનજન સુધી પહોંચાડીને જનતાનો વિશ્વાસ મત સ્વરૂપે મેળવવામાં આવ્યો હતો અને કેવી રીતે ગુજરાત મોડેલ સફળ રહ્યું તેની પ્રસ્તૃતિ રાષ્ટ્રીય કારોબારીમાં અપાઈ હતી.જે અંગે પ્રદેશ કારોબારીમાં ઉપસ્થિત કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીના મુખ્ય મુદ્દાઓ

– ગુજરાતમાં જીતના તમામ રેકોર્ડ મોદી મેજિકથી તોડી નાખ્યા
– ભાજપના ભવ્ય વિજય વચ્ચે બીજા ક્રમે આવેલા પક્ષને વિપક્ષનો દરજ્જો પણ મળ્યો નથી.
– પ્રધાનમંત્રી મોદીએ પક્ષના સાચા સૈનિકની જેમ ચૂંટણી પ્રચારમાં પક્ષનું નેતૃત્વ કર્યુ હતું.
– ગુજરાતમાં ભાજપને તમામ વર્ગના લોકોનું સમર્થન મળ્યું.
– 40 અનામત બેઠકોમાંથી 34 બેઠકો પર જીત મળી.

Share Now