લક્ષ્મણરેખા ઓળંગવામાં આવી

125

નવી દિલ્હી : ભૂતપૂર્વ જજો અને બ્યુરોક્રેટ્સના એક ગ્રુપે બીજેપીનાં સસ્પેન્ડેડ પ્રવક્તાં નૂપુર શર્મા વિરુદ્ધનાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ઑબ્ઝર્વેશન્સની ગઈ કાલે ટીકા કરી હતી.આ ગ્રુપે આરોપ મૂક્યો હતો કે સુપ્રીમ કોર્ટે ‘લક્ષ્મણરેખા’ઓળંગી છે અને તાત્કાલિક આ ઑબ્ઝર્વેશનમાં સુધારો કરવા માટે પગલાં લેવાની પણ માગણી કરી છે.આ ઓપન સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે‘આ કમનસીબ કમેન્ટ્સનું જ્યુડિશ્યરીના ઇતિહાસમાં આ પહેલાં કોઈ ઉદાહરણ નથી અને એ સૌથી વિશાળ લોકશાહીની ન્યાયપ્રણાલી પર ભૂંસાય નહીં એવો ડાઘ છે.આ કમેન્ટ્સની દેશનાં લોકતાં​ત્રિક મૂલ્યો અને સુરક્ષા પર ગંભીર અસરો થવાની સંભાવના હોવાના કારણે એમાં સુધારા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.’

નોંધપાત્ર છે કે સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક કમેન્ટ્સ કરવા બદલ નૂપુર શર્માની પહેલી જુલાઈએ આકરી ઝાટકણી કાઢી હતી.અદાલતે એમ પણ જણાવ્યું હતું કે તેનાં બેજવાબદાર નિવેદનોના કારણે આખા દેશમાં આગ લાગી છે.આ ઑબ્ઝર્વેશનની ટીકા કરતાં સ્ટેટમેન્ટમાં વધુ જણાવાયું હતું કે ‘દેશની ફિકર કરતા નાગરિકો તરીકે અમે માનીએ છીએ કે તમામ સંસ્થાનો બંધારણ અનુસાર એમની ફરજ બજાવે ત્યાં સુધી કોઈ પણ દેશની લોકશાહી અખંડિત રહી શકશે.સુપ્રીમ કોર્ટના બે જજો દ્વારા તાજેતરની કમેન્ટ્સે લક્ષ્મણરેખા ઓળંગી છે અને અમને એક ઓપન સ્ટેટમેન્ટ આપવાની ફરજ પડી છે.’નોંધપાત્ર છે કે,છેલ્લા ઘણા સમયથી એક રીત ચાલી આવી છે કે,અમુક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારના સમર્થનમાં કે વિરોધમાં ભૂતપૂર્વ જજો અને બ્યુરોક્રેટ્સ દ્વારા કોઈ મુદ્દે ઓપન લેટર લખવામાં આવે છે.જેમ કે,આ પહેલાં ધિક્કારના રાજકારણના મુદ્દે ભૂતપૂર્વ જજો અને બ્યુરોક્રેટ્સના એક સમૂહે કેન્દ્ર સરકારની ટીકા કરી જ્યારે બીજાએ એને સમર્થન આપ્યું હતું.

Share Now