બેટ્સમેનોનો ફ્લોપ શો : ભારત પ્રથમ દિવસના અંતે ૫ વિકેટ ગુમાવી ૧૨૨ રન

294

ભારતીય ઓપનિંગ જોડી ફેલઃ કોહલી-પૂજારા નિષ્ફળ,રહાણે-પંત રમતમાં, ડેબ્યૂ મેચમાં જ જેમિસને ત્રણ વિકેટ ઝડપી
વેલિંગ્ટન,તા.૨૧
વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરો સામે ભારતીય બેટિંગ ટકી શકી નહતી. ટી-બ્રેક સુધી ભારતીય ટીમ માત્ર ૧૨૨ રન બનાવી શકી હતી. જ્યારે તેની ૫ વિકેટ પડી હતી. વરસાદને કારણે ટી-બ્રેકથી આગળ રમત શરૂ થઇ શકી નહતી અને દિવસની રમતને પૂર્ણ કરી દેવામાં આવી હતી. અજિંક્ય રહાણે (૩૮) અને રિષભ પંત (૧૦) રમતમાં છે. બન્ને વચ્ચે ૨૧ રનની ભાગીદારી થઇ ચુકી છે.
ભારતની શરૂઆત ટોસના સમયથી જ ખરાબ રહી હતી. વેલિંગ્ટનની મુશ્કેલ અને પડકારજનક પરિસ્થિતિઓમાં કેપ્ટન વિરાટ કોહલી ટોસ હારી ગયો હતો અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને બોલિંગ પસંદ કરી હતી. ૨૦૧૮માં ટેસ્ટ ડેબ્યૂ બાદ પ્રથમ વખત પૃથ્વી શૉની ભારતીય ટીમમાં વાપસી થઇ હતી. પોતાના ઘરેલી પરિસ્થિતિઓમાં ઘાતક બોલર ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ સામે શોએ સકારાત્મક શરૂઆત કરી હતી. પૃથ્વી શોએ પોતાના અંદાજમાં ૨ બાઉન્ડ્રી ફટકારી હતી. પાંચમી ઓવરમાં ટિમ સાઉથીના પ્રથમ બોલ મિડલ ઓફ સ્ટમ્પ પર પડયો હતો. પૃથ્વી શોએ બોલને ઓન સાઇડમાં રમવા માટે પોતાના બેટને બહાર કાઢયો હતો પરંતુ બોલ આઉટસ્વિંગ થઇ શોના ઓફ સ્ટમ્પને લઇને ઉડી ગઇ હતી. પૃથ્વી શો ૧૮ બોલમાં ૧૬ રન બનાવી આઉટ થયો હતો.
તે બાદ મયંક અગ્રવાલનો સાથ આપવા માટે ચેતેશ્વર પૂજારા આવ્યો હતો.પૂજારાએ પણ પોતાના અંદાજમાં બેટિંગ કરી હતી.ચેતેશ્વર પૂજારાએ આશરે એક કલાક અને ૪૨ બોલની પોતાની ઇનિંગ્સમાં ૧૧ રન બનાવ્યા હતા. ૩૫ રન પર ભારતની બીજી વિકેટ પડી હતી અને ક્રીઝ પર કેપ્ટન વિરાટ કોહલી આવ્યો હતો. વિરાટ કોહલી પણ માત્ર ૨ રનના સ્કોર પર આઉટ થયો હતો. ભારતે માત્ર ૪૦ રનમાં જ પોતાની ૩ વિકેટ ગુમાવી દીધી હતી.
મયંક અગ્રવાલે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે સાથે એક મહત્વની ભાગીદારી કરી હતી. બન્નેએ વિકેટ પડતા રોકી હતી અને ભારતીય ઇનિંગ્સને ફરી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. બન્નેએ લંચ સુધી ટીમની કોઇ વિકેટ પડવા દીધી નહતી. ભારતે પ્રથમ સેશનમાં ૭૯ રન બનાવ્યા હતા. જોકે લંચ બાદ મયંક અગ્રવાલ (૩૪) રન બનાવી આઉટ થયો હતો. છઠ્ઠા નંબર પર હનુમા વિહારી (૭) પણ વધુ સમય ટકી શક્યો નહતો. જોકે, રહાણેએ કોઇ પરેશાની વગર પોતાની ઇનિંગ્સને આગળ વધારી હતી. રહાણેનો સાથ આપવા રિષભ પંત આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૯ બાદ પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા પંતને રિદ્ધિમાન સાહાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રિષભ પંતને શરૂઆતમાં ઘણી પરેશાની થઇ હતી અને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરોએ તેને કેટલીક વખત બીટ કર્યો હતો પરંતુ પંત ઉભો રહ્યો હતો. પંતે રહાણે સાથે મળીને ટી-બ્રેક સુધી કોઇ વિકેટ પડવા દીધી નહતી.
ભારતીય ટીમને ફરી એક વખત રહાણે પાસે આશા છે, જે પહેલા પણ ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટીમને મુસીબતમાંથી બહાર કાઢી ચુક્યો છે. ૨૦૧૪ની સિરીઝમાં પણ રહાણેએ વેલિંગ્ટનના આ મેદાનમાં મુશ્કેલ સ્થિતિમાં સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કરનાર ૬ ફૂટ ૮ ઇંચ લાંબા જૈમીસને ૩ વિકેટ ઝડપી હતી જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથીએ ૧-૧ વિકેટ ઝડપી હતી.

Share Now