ગુજરાતમાં રોજના ૩૦૦ સેમ્પલના જ ટેસ્ટિંગની ક્ષમતા !

113

। ગાંધીનગર ।

કોરોના વાઇરસના ટેસ્ટ માટે અમદાવાદ, જામનગર, ઉપરાંત ભાવનગર અને સુરતમાં સરકારી હોસ્પિટલ- મેડિકલ કોલેજોની લેબોરેટરીઓને મંજૂરી મળતા શનિવારથી ગુજરાતમાં રોજના ૩૦૦ જેટલા સેમ્પલનું લેબ પરિક્ષણ થાય એટલી કિટ ભારત સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારત કોરોના વાઇરસ ત્રીજા તબક્કે અર્થાત્ સ્થાનિક નાગરિકોમાં સરળતાથી ફેલાય તેવી સ્થિતિમાં છે. આ તબક્કે કોરોના વાઇરસ માટે લોકોના સેમ્પલ ટેસ્ટમાં વધારો થશે એ નિશ્ચિત મનાય છે. આરોગ્ય વિભાગમાંથી મળતી વિગતો મુજબ ટેસ્ટિંગ કિટ ભારત સરકાર તરફથી ઉપલબ્ધ કરાવાય છે. અગાઉ ગુજરાતમાં રોજના ૧૫૦-૧૭૫ સેમ્પલના ટેસ્ટિંગ પૂરતી કેપેસિટી હતી. તાજેતરમાં જ રાજ્ય સરકારને વધુ બે નવી લેબોરેટરીને મંજૂરી મળતા કેપેસિટી વધીને ૩૦૦એ પહોંચી છે. ૧૬મી માર્ચે ભારત સરકાર પાસે માત્ર જ ૧ લાખ કિટ્સ જથ્થો હતો. વધુ ૧૦ લાખ કિટ વિદેશોમાંથી આવી રહી છે. આથી આગામી સપ્તાહે ભાવનગર અને સુરતમાં સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરીની મંજૂરી મળ્યા બાદ ગુજરાતની કેપેસિટીમાં વધારો થશે.

ટેસ્ટિંગ કિટ્સની સંદર્ભે આરોગ્ચ સચિવ ડો. જંયતી રવિને પૂછતાં તેમણે જથ્થો પર્યાપ્ત હોવાનું કહી સંખ્યાનો ફોડ પાડવાનું ટાળ્યું હતું. જો કે તેમણે ગુજરાતની ટેસ્ટિંગ કેપેસિટી હાલ દૈનિક ૩૦૦ ટેસ્ટની છે અને દર ચોવીસ કલાકે એટલી કીટ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

કોરોના વાઇરસ નિયંત્રણ સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું કે, વૈશ્વિક સ્તરે ટેસ્ટિંગ કિટની ડિમાન્ડ ઊંચી છે. ભારતમાં ઉત્પાદન નથી. ભારતમાં હાલમાં એક લાખ કિટનો જથ્થો છે. આથી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ICMR દેશમાં જ્યાં પણ ટેસ્ટ માટે મંજૂરી આપે છે તેની સાથે આ ક્ષેત્રમાં શંકાસ્પદ કેસોની સ્થિતિ અંગે રોજેરોજની કેસ સ્ટડીને આધારે કિટ સપ્લાય સુનિશ્ચિત થાય છે. એટલે ગુજરાતમાં વધુ બે લેબોરેટરીઓ મંજૂર થતા કિટની પ્રાપ્તિ વધશે.

Share Now