– અંકિત ગુર્જરે તાજેતરમાં જ અન્ય એક ગેંગસ્ટર રોહિત ચૌધરી સાથે હાથ મિલાવ્યો હતો અને ત્યાર બાદ ગુર્જર-ચૌધરી ગેંગ બનાવવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 04 : રાજધાની દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર અંકિત ગુર્જરનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થયું છે.તિહાડની જેલ નંબર 3માંથી અંકિતનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યાર બાદ જેલ પ્રશાસને તપાસ શરૂ કરી દીધી હતી.
ગેંગસ્ટર અંકિત ગુર્જરના મૃતદેહને દિલ્હીની દીનદયાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ અને સમય જાણી શકાશે.અંકિતના પરિવારજનોએ તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે.જોકે હાલ પ્રશાસન દ્વારા સંપૂર્ણ જાણકારી બહાર નથી પાડવામાં આવી.દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અંકિતની ધરપકડ કરી હતી અને તેના પર મર્ડરના આરોપ,મકોકા અંતર્ગત કેસ નોંધાયેલા હતા.
અંકિત ગુર્જર દિલ્હી અને વેસ્ટ યુપી ક્ષેત્રનો ઈનામી બદમાશ હતો.તેના પર આશરે સવા લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.અંકિત ગુર્જરે તાજેતરમાં જ અન્ય એક ગેંગસ્ટર રોહિત ચૌધરી સાથે હાથ મિલાવ્યો હતો અને ત્યાર બાદ ગુર્જર-ચૌધરી ગેંગ બનાવવામાં આવી હતી.બંને ગેંગસ્ટર સાથે મળીને સાઉથ દિલ્હીના વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ બનાવી રહ્યા હતા.જોકે આ બધા વચ્ચે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અંકિત ગુર્જરની ધરપકડ કરી હતી અને બુધવારે તિહાડમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.