ગાંધીનગર : ગુજરાત સરકારમાં ચાલતી લાલીયાવાડી કેગના રિપોર્ટમાં બહાર આવી છે.સરકાર લીઝ પર જે જમીન આપે છે તેનો સંપૂર્ણ ડેટા ખુદ સરકાર પાસે ઉપલબ્ધ નહીં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.જમીન વહીવટી સાથેના વ્યવહારમાં મહેસૂલ વિભાગ પાસે ડેટા નથી.
કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે સરકાર વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓને લીઝ પર જમીન આપે છે. તેની ફાઇલો ચાલે છે પરંતુ કોને કેટલી લીઝ આપી છે અને ક્યા હેતુ માટે આપી છે તેનો સમગ્ર ડેટા ઉપલબ્ધ નથી.મહેસૂલ વિભાગ સરકારી જમીન આપ્યાનો ડેટા આપી શક્યું નથી.
સરકારી જમીન કોઇ ઉદ્યોગ કે સંસ્થાને આપવામાં આવે તો તેનો ચોક્કસ ડેટા હોવો જરૂરી છે, કેમ કે જમીન સંસાધનની અસરકારકતા માટે આવો ડેટાબેઝ હોવો જોઇએ પરંતુ મહેસૂલ વિભાગ ડેટાની જાળવણીમાં નિષ્ફળ ગયું છે. કેગના રિપોર્ટમા નોંધવામાં આવ્યું છે કે ફાળવણીકારોની લાયકાત નક્કી કરવા માટે તેમજ અરજીઓને આમંત્રણ આપવા માટેના આદેશો કે સૂચનાઓ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.
રાજ્યના કેટલાક જિલ્લા કલેક્ટરોના દફતરની ચકાસણી કરતાં એવું ધ્યાનમાં આવ્યું છે કે તેમની પાસે સરકારી જમીનની ફાળવણી અથવા જમીનની દેખરેખ રાખવા માટેનું કોઇ તંત્ર અસ્તિત્વમાં નથી.સરકાર લીઝની મંજૂરી આપે છે.લીઝને રિન્યૂ કરી આપે છે પરંતુ નિરીક્ષણ માટેની વ્યવસ્થા શરૂ કરી શક્યું નથી.કચ્છ,દાહોદ અને વડોદરામાં આવી ક્ષતિ બહાર આવી છે.