કોંગ્રેસના નેતાઓ ઈતિહાસમાંથી કશું શીખ્યા નથી તેમાં કોંગ્રેસ સાવ પતી જવાના આરે આવીને ઊભી રહી ગઈ છે.એ છતાં કોંગ્રેસના નેતાઓની અક્કલ ઠેકાણે આવતી નથી ને શું બોલવું તેનું ભાન રાખ્યા વિના એ લોકો લવારા કર્યા જ કરે છે.રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે લવ જિહાદ મુદ્દે કરેલું નિવેદન તેનો તાજો પુરાવો છે.
ભાજપમાં કેન્દ્રીય સ્તરના નેતાઓ લવ જિહાદ મુદ્દે કશું બોલતા નથી પણ જે રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યાં તો લવ જિહાદ ગરમાગરમ મુદ્દો છે.ભાજપ શાસિત કર્ણાટક,હરિયાણા,મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ એ ચાર રાજ્યોએ તો લવ જિહાદને રોકવા માટે કાયદા બનાવવાનું એલાન પણ કરી નાખ્યું છે.મધ્ય પ્રદેશે તો વિધાનસભાના શિયાળુ સત્રમાં જ આ અંગેનો ખરડો પસાર કરીને કાયદો બનાવવાનો મનસૂબો હજુ બે દાડા પહેલાં જ જાહેર કરેલો.આ જાહેરાતની અસર છે કે બીજું કોઈ કારણ છે એ રામ જાણે,પણ ગેહલોતને અચાનક જ લવ જિહાદ મુદ્દે બોલવાનો ઊમળકો જાગી ગયો ને તેમણે શુક્રવારે ઉપરાછાપરી ટ્વીટ કરીને લવ જિહાદ મુદ્દે પોતાનું જ્ઞાન આખી દુનિયા સામે ઠાલવી દીધું. ગેહલોતનું કહેવું છે કે,લવ જિહાદ શબ્દ ભાજપના નેતાઓના ભેજાની પેદાશ છે. સમાજને વિભાજિત કરવા ને કોમી સંવાદિતાને સખળડખળ કરવા ભાજપે આ શબ્દો રમતા મૂકી દીધા છે.લગ્ન અંગત બાબત છે ને આ અંગત બાબત પર નિયંત્રણ મૂકવા કાયદો બનાવવો ગેરબંધારણીય છે ને દેશની કોઈ કોર્ટમાં આ કાયદો નહીં ટકે.
ગેહલોતનું કહેવું છે કે,લવ જિહાદ વિરોધી કાયદા બનાવીને ભાજપ દેશમાં એવો માહોલ પેદા કરી રહ્યો છે કે જ્યાં પુખ્ત વયનાં લોકો સંમતિથી લગ્ન કરવા માગતા હશે તો પણ સત્તાવાળાઓની દયા હશે તો જ લગ્ન કરી શકશે. ગેહલોતનું કહેવું છે કે,આ કાયદો દેશમાં કોમી સંવાદિતા ખોરવી નાખીને સામાજિક વિખવાદ ઊભા કરવાના ભાજપના કાવતરાનો ભાગ છે.દેશનું બંધારણ કોઈ પણ આધારે ભેદભાવ નહીં કરવાનું કહે છે ને આ બધી વાતો દેશના બંધારણનું પણ અપમાન છે.
અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને બધા પક્ષો પાસે સોશિયલ મીડિયાની ટીમો છે. ભાજપ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં ચેમ્પિયન છે તેથી ભાજપના નેતાઓએ ગેહલોતની વાતોનો તરત જવાબ આપી દીધો.આ વાતોમાં નવું કશું નથી.લવ જિહાદ હિંદુ છોકરીઓને ફસાવવાની વૈશ્વિક ષડ્યંત્રનો ભાગ છે ને લાખો છોકરીઓ તેનો ભોગ બની છે એવી બધી વાતો ભાજપના નેતા કર્યા કરે છે.ગેહલોતની ટ્વીટના જવાબમાં પણ તેમણે એ જ બધી વાતો કરી છે.આપણે એ વાતોમાં નથી પડતા પણ ગેહલોતે જે મુદ્દા ઉઠાવ્યા છે તેની વાત કરવી જરૂરી છે કેમ કે ગેહલોતે બંધારણથી માંડીને કોમી સંવાદિતા સુધીના મુદ્દે બહુ જ્ઞાન પિરસ્યું છે.
લવ જિહાદ વિરોધી કાયદો બનાવવાની જાહેરાત ભાજપ શાસિત ચાર રાજ્યોએ કરી છે, પણ હજુ સુધી આવો કાયદો એક પણ રાજ્યમાં બન્યો નથી. હિમાચલ પ્રદેશની ભાજપ સરકારે એક કાયદો બનાવ્યો છે પણ આ કાયદામાં લવ જિહાદની વાત નથી.હિમાચલ પ્રદેશના કાયદામાં એક ધર્મનો પુરૂષ પોતાની ઓળખ છૂપાવીને કોઈ સ્ત્રીને મળે ને ખોટી ઓળખ આપીને તેની સાથે નિકટતા વધારીને પછી લગ્ન કરે તેની વિરુદ્ધ છે. લગ્નના ઉદ્દેશથી ધર્માંતરણ કરાવાય તેને પણ આ કાયદામાં ગુનો ગણાવાયો છે.આ જોગવાઈઓ લવ જિહાદ મુદ્દે ભાજપના નેતાઓ જે વાતો કરે છે એ પ્રકારની જ છે એ જોતાં હવે પછી ભાજપ શાસિત રાજ્યો જે પણ કાયદા બનાવશે એ આ પ્રકારના જ હશે એમ માની શકાય.
ગેહલોત લવ જિહાદ વિરોધી કાયદા સામે ઉકળ્યા છે ત્યારે સવાલ એ છે કે, આ કાયદામાં ખોટું શું છે ? કોઈ પુરૂષ કે સ્ત્રી પોતાની ખોટી ઓળખ આપીને કોઈની સાથે નિકટતા કેળવે,સામેની વ્યક્તિને લાગણીથી જોડે ને પછી તેની સાચી ઓળખ સામેની વ્યક્તિ સામે છતી થાય ત્યારે સામેની વ્યક્તિને છેતરાયાની લાગણી જ થાય.આ છેતરપિંડી જ છે ને આ દેશનું બંધારણ આ પ્રકારની છેતરપિંડીની મંજૂરી આપે છે ? આ દેશનું બંધારણ લગ્નની બાબતમાં કોઈ પણ પ્રકારના ભેદભાવને મંજૂરી નથી આપતું તો આ રીતે કરાતી છેતરપિંડીને પણ મંજૂરી નથી આપતું.આ વાત હાઈ કોર્ટે પણ સ્વીકારી છે ને આ રીતે પોતાની ખોટી ઓળખ આપીને હિંદુ છોકરીને ફસાવનારા યુવકને કોર્ટે સજા પણ ફટકારી છે.હાઈકોર્ટે આ દેશના બંધારણને આધારે સજા ફટકારી છે.ગેહલોત પોતાને આ દેશના બંધારણ કરતાં મોટા માને છે કે શું એ ખબર નથી, પણ એ દેશના બંધારણની દુહાઈ આપે છે ત્યારે હાઈ કોર્ટના આ ચુકાદાને પણ યાદ રાખવા જેવો છે.
કોંગ્રેસીઓ પોતાને બહુ બુદ્ધિશાળી માને છે. એ લોકોને એમ છે કે,આ બધી વાતો કરીશું એટલે મુસ્લિમો સાગમટે આપણા ભણી વળશે ને આપણને જ મત આપશે. આ માન્યતાના કારણે એ લોકો લવ જિહાદના કાયદાની વિરુદ્ધ લવારા કરીને ભાજપની જાળમાં ફસાઈ રહ્યા છે.ભાજપે સોશિયલ મીડિયા પર પ્રચારનો મારો ચલાવીને કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે એવું નવી પેઢીના માનસમાં ઠસાવી જ દીધું છે.કાશ્મીરથી માંડીને સીએએ સુધીના મુદ્દે કોંગ્રેસીઓએ વણજોઈતા લવારા કર્યા તેનો ભાજપે આ રીતે જ ફાયદો ઉઠાવ્યો છે.હવે કોંગ્રેસ નલવ જિહાદથ વિરોધી કાયદાનો વિરોધ કરશે એટલે ભાજપને નવો મુદ્દો મળશે કે, હિંદુ બહેન-દીકરીઓને મુસલમાન ફસાવે ને વટલાવે તેમાં કોંગ્રેસનો સાથ છે.