નવી દિલ્હી તા.21 : બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. નીતિશ કુમારના નેતૃત્વમાં રાજ્યમાં એનડીએની સરકાર બની ગઈ છે.ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું. કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી અને માત્ર 19 બેઠકો પર જ જીત મેળવી શકી.કોંગ્રેસના બિહારમાં ખરાબ પ્રદર્શન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસનું સતત પતન થઈ રહ્યું છે.એવું લાગે છે કે,કોંગ્રેસનું કોઈ રણીધણી નથી બચ્યું.કોંગ્રેસ જે રીતે પ્રદર્શન કરી રહી છે,તેનાથી લાગે છે કે,તે દેશનું ભવિષ્ય નથી.
શુક્રવારે એક સમિટમાંં સામેલ થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘કોંગ્રેસ સંપૂર્ણ રીતે ઢળતી જઈ રહી છે. કોંગ્રેસનું કોઈ રણીધણી નથી બચ્યું. એક પછી એક રાજ્યમાં આપણે જોઈએ છીએ કે લોકો ભાજપથી પરેશાન થઈને કોંગ્રેસને વોટ આપે છે અને પછી કોંગ્રેસ,ભાજપની સરકાર બનવા દે છે.કોંગ્રેસના બધા ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જાય છે.એવામાં ચૂંટણી દગો થઈ ગઈ છે.તમે વોટ કોંગ્રેસને આપો કે પછી ભાજપને, સરકાર તો ભાજપની જ બને છે.’
કેજરીવાલે કહ્યું કે, ‘મને લાગે છે કે, રાષ્ટીય સ્તર પર કોંગ્રેસના વિકલ્પ તરીકે કોઈ હોવું જોઈએ. તે પ્રાદેશિક પાર્ટીઓના રૂપમાં ઊભરશે કે બીજું કંઈક હશે. પરંતુ કોંગ્રેસનું હવે કોઈ ભવિષ્ય નથી.’
આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય રાજકારણમાં ભૂમિકા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કેજરીવાલે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. કેજરીવાલે હસીને કહ્યું કે,એ તો સમય બતાવશે કે તેમનો રોલ કેવો હશે.તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે.પરંતુ,દિલ્હીમાં કરાયેલા કામોને કારણે સમગ્ર દેશના લોકો ઈજ્જતથી ‘આપ’ને જુએ છે ને એ આશા છે કે દેશના લોકો વિકલ્પ જરૂર આપશે.’