‘લવ જિહાદના નામે ભાજપ નફરત ફેલાવે છે’, ભાજપની દગાબાજીથી વિફરેલા જદયુનો આક્ષેપ

215

– અરુણાચલમાં ભાજપે જદયુના સભ્યોને ફોડ્યા

નવી દિલ્હી/ પટણા તા.28 : જનતા દળ યુનાઇટેડ (જદયુ)ના રાષ્ટ્રીય મહાસચિવ કે સી ત્યાગીએ ભાજપ પર ખુલ્લો આક્ષેપ કર્યો હતેા કે ભાજપ લવ જિહાદના નામે નફરત ફેલાવી રહ્યો હતો.

ગયા સપ્તાહે અરુણાચલ પ્રદેશમાં ભાજપે જદયુના સાત ધારાસભ્યોને ફોડી નાખ્યા હતા.તેથી જદયુના નેતાઓ નારાજ થયા હતા. આમ તો બિહારની વિધાનસભાની ચૂંટણી વખતેજ જદયુ નારાજ થયો હતો.ભાજપે જદયુને ચૂંટણીમાં ઓછી બેઠકો મળે એવા હેતુસરસ સદ્ગત રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગને આગળ કર્યો હતો. ચિરાગે જદયુના મતો તોડ્યા હતા.પરિણામે છેલ્લાં દસ પંદર વર્ષમાં પહેલીવાર જદયુ ત્રીજા ક્રમે આવ્યો હતો.પહેલા ક્રમે લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવનો રાજદ પક્ષ આવ્યો હતો. બીજા નંબરે ભાજપ હતો અને ત્રીજા નંબરે જદયુ આવ્યો હતો.ત્યારથી જદયુના નેતાઓ ભાજપની દગાબાજીતી નારાજ હતા.

નીતિશ કુમાર વગર ચાલે એમ નથી એ સમજ્યા પછી ભાજપે જદયુની બેઠકો ઓછી હોવા છતાં નીતિશ કુમારને ફરી એકવાર મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.જો કે નીતિશ કુમાર મુખ્ય પ્રધાન બનવા રાજી નહોતા.ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમને મુખ્ય પ્રધાનપદ સ્વીકારવા સમજાવ્યા હતા.

અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર સ્થિર હતી.એને કોઇ જોખમ નહોતું.છતાં ગયા સપ્તાહે ભાજપે જદયુના સાત ધારાસભ્યોને ફોડ્યા હતા.આ સાતે ધારાસભ્યોએ ભાજપનો ભગવો સ્વીકાર્યો હતો.એ સમયે એવી ધારણા હતીજ કે જદયુની નેતાગીરી નારાજ થશે.રવિવારે નીતિશ કુમારે જરાય શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે મારે હવે મુખ્ય પ્રધાન રહેવું નથી.તમે બીજા કોઇને બિહારના મુખ્ય પ્રધાન બનાવો.

બીજી બાજુ જદયુના રાષ્ટ્રીય મહાસચિવ કે સી ત્યાગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશની સરકારને કોઇ જોખમ નહોતું તો પછી ભાજપે અમારા ધારાસભ્યોને ફોડવાની શી જરૂર હતી.ભાજપ ગઠબંધનના નિયમો અને સિદ્ધાંતોનો છડેચોક ભંગ કરતો હતો.તેથી પણ આગળ વધીને ત્યાગીએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે ભાજપ લવ જિહાદના નામે નફરત ફેલાવી રહ્યો હતો.ભાજપની સરકાર હોય એવાં રાજ્યોએ (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે) લવ જિહાદનો જે કાયદો ઘડ્યો એ ખોટો છે એમ પણ ત્યાગીએ કહ્યું હતું.

ટૂંકમાં રાજકીય સમીક્ષકો એમ માનતા થયા હતા કે ભાજપ અને એનડીએનાં હવે વળતાં પાણી હતાં.ભાજપ દેશભરમાં પોતાની સરકાર સ્થાપવા વધુ પડતો અધીરો થઇ ગયો હતો અને જ્યાં ત્યાં પક્ષપલટા કરાવીને પોતાની સરકાર સ્થાપવાનાં પગલાં લઇ રહ્યો હતો.

Share Now