છૂટછાટને પહેલા જ દિવસે સંક્રમણ ભૂલાયું, બજાર ખુલતા ઉમટી પડ્યા લોકો

59

મહનગરમાં સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને અકાળે વિદાય આપી છે.કોરોના વાયરસના પોઝિટિવ કેસ બેકાબુ થતા રાજ્ય સરકાર તરફથી શરતી લોકડાઉન લાગુ કરવામાં
આવ્યું હતું.પરંતુ, તા. 21ના રોજ શુક્રવારથી રાજ્ય સરકારે આપેલી છૂટછાટથી માર્કેટમાં ફરી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.વ્યાપાર-વ્યવસાયને તો ઑક્સિજન મળ્યું પણ ભીડ ઉમટેલી જોઈને લોકો સંક્રમણ ભૂલી ગયા હોવાનું જોવા મળ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાના-મોટા અનેક શહેરમાં માર્કેટ બંધ રાખવાનો તંત્રએ આદેશ કર્યો હતો.મહાનગરમાં શોપિંગમોલ,કોમર્શિયલ સેન્ટર,સુપર સ્ટોર્સ તેમજ નાની દુકાનો પણ બંધ રહી હતી.જેના કારણે મહાનગર સુરતમાં સંક્રમણ ઘટ્યું હતું. જોકે, રાજ્ય સરકાર તરફથી ફરીથી છૂટછાટ આપવામાં આવી છે.માર્કેટમાં લોકો બેદરકાર થઈને ફરી રહ્યા હોય એવું ચિત્ર જોવા મળ્યું છે.સુરતના ચૌટા બજાર સ્થિત માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.લોકોને થોડી છૂટ આપવામાં આવતા જાણે એનો દૂર ઉપયોગ થયો હોય એવી સ્થિતિ દેખાઈ હતી.કોરોના વાયરસના કેસ તો ઘટ્યા છે પણ વાયરસ ફરીથી માથું ન ઊંચકે એ જોવાની જવાબદારી માત્ર તંત્રની જ નહીં લોકોની પણ છે.લોકોની પણ ફરજ બને છે કે, તે ગાઈડલાઈન્સનો અમલ કરે, માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. સરકારે આપેલી છૂટ સામે લોકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ.બીજી તરફ મહાનગર અમદાવાદમાં પણ છૂટછાટના પહેલા દિવસે રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.કાલુપુરથી આસ્ટોડિયા સ્ટેડિયમ સુધીના વિસ્તારમાં લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા.

જ્યારે મહાનગર રાજકોટમાં પણ સવારથી લોકો માર્કેટમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા.છૂટ મળ્યાના પહેલા જ દિવસે મહાનગર જ નહીં નાના શહેરની માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી.બેદરકારી ફરી એકવાર મોટી મુશ્કેલી પેદા કરી શકે છે. બપોરના સમયે દુકાન બંધ થઈ જવાની હોવાથી લોકો જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે દોડી ગયા હતા.રાજકોટમાં પરા બજાર,સદર બજાર,ત્રિકોણ બાગમાં સારી એવી ભીડ જોવા મળી હતી.લોકડાઉનને કારણે નાના વેપારી અને લારીવાળાને મોટો આર્થિક ફટકો પડ્યો છે. 23 દિવસ પછી આંશિક અનલોક થતા વેપારીને હાશકારો થયો છે.જોકે, ભાવનગર,જામનગર,જૂનાગઢ જેવા શહેરમાં પાંખી હાજરી જોવા મળી હતી.લોકોમાં ભય હજું પણ યથાવત હોય એવું ચિત્ર નાના શહેરમાંથી જોવા મળ્યું છે.

Share Now