વડોદરામાં યુવકને તેની સગાઇમાં માતા પિતાએ ગીફ્ટમાં ચંદ્ર પર જમીન ખરીદી આપી

117

– ઘણી વેબસાઇટો ચંદ્ર પર જમીન વેચાણનો દાવો કરીને સર્ટિફિકેટ આપે છે અને એવુ પણ કહે છે કે ખરીદનાર વ્યક્તિ જમીન પર દાવો નહી કરી શકે

વડોદરા : શુભ પ્રસંગોમાં લોકો ફુલોના બુકેથી લઇને લક્ઝરી ગાડી અને ઘરેણાઓ જેવી વિવિધ ચીજ વસ્તુઓ ભેંટમાં આપતા હોય છે પરંતુ શહેરના વાઘોડિયારોડ પર રહેતા યુવાનને તેના માતા પિતાએ ચંદ્ર પર જમીન ખરીદીને આપી છે.યુવકની આજે સગાઇ હતી અને આ સગાઇ પ્રસંગે ચંદ્ર પર જમીન માલિકીનું સર્ટિફિકેટ ભેંટ તરીકે આપવામાં આવ્યુ હતું.

મયુર નામનો આ યુવક વેપારી છે અને તેની આજે સગાઇ હતી.જો કે સગાઇની તારીખ અગાઉથી નિશ્ચિત થઇ ગઇ હોવાથી તેના માતા પિતાએ એક સરપ્રાઇઝ ગોઠવી રાખી હતી.મયુરના પિતાએ એક અમેરિકન વેબસાઇટ કે જે ચંદ્ર પર જમીન-પ્લોટ વેચાણે આપવાનો દાવો કરે છે તેના પરથી મયુર માટે બે એકર જમીનની ખરીદી કરી હતી.આ જમીન ખરીદીને લગતુ સર્ટિફિકેટ શનિવારે જ પોસ્ટ દ્વારા મયુરના પિતાને મળ્યુ હતું.આ સર્ટિફિકેટમાં ચંદ્ર પર ક્યા અક્ષાંશ અને રેખાંશ પર તેની જમીન આવેલી છે તે અંગેની માહિતી લખેલી છે.

આજે મયુરની સગાઇ હતી અને આ પ્રસંગે તેના પિતાએ અમેરિકન વેબસાઇટ તરફથી મળેલુ સર્ટિફિકેટ ભેંટ આપતા મયુર અને તેની ફિયાન્સી જ નહી ત્યા હાજર તમામ મહેમાનોમાં ભારે આશ્ચર્ય ફેલાણુ હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ શાહરૃખ ખાનને તેના બર્થ ડે ઉપર ઓસ્ટ્રેલિયન ફેને ચંદ્ર પર જમીન ખરીદી આપી હતી તો સુશંતાસિંહ રાજપુતે પણ ચંદ્ર પર જમીન ખરીદી હોવાના સમાચાર આવ્યા હતા.બે વર્ષ પહેલા રાજસ્થાનના વેપારીએ પણ તેની એનિવર્સરી ઉપર પત્નીને ચંદ્ર પર જમીન ખરીદી આપી હતી.જો કે વેબસાઇટ દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તેમા અને વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરેલા નિયમોમાં સ્પષ્ટ દર્શવવામાં આવ્યુ છે કે ચંદ્ર પર જમીન ખરીદીનું ફક્ત સર્ટિફિકેટ જ મળે છે.જમીન ખરીદનાર ચંદ્ર પર જમીનનો દાવો કરી શક્તો નથી.

ઇન્ટરનેશનલ ટ્રીટી મુજબ ચંદ્ર પર કોઇ દેશની માલીકી નથી એટલે જમીન વેચાણ થઇ શકે નહી

વેબસાઇટોના દાવા મુજબ ચંદ્ર પર હાલમાં જમીનનો ભાવ એકર દીઠ રૃ.૨૮૦૦ થી ૩૦૦૦ની આસપાસ

પૃથ્વીની બહાર અવકાશ,ગ્રહો અને ઉપગ્રહો પર કોની માલિકી તે અંગે અમેરિકા,રશિયા અને બ્રિટન વચ્ચે થયેલી સમજૂતી એટલે કે ટ્રીટી મુજબ આઉટર સ્પેશની માલીકી કોઇ પણ દેશની નથી ત્યાં થતા સંશોધનો કોઇ એક દેશના નહી સમગ્ર માનવજાતના ફાયદા માટે કરવામાં આવશે.આ ટ્રીટી વિશ્વના ૧૯૦ દેશોએ માન્ય કરી છે અને પોતાની સહમતી આપી છે એટલે સ્પષ્ટ છે કે ચંદ્ર પર જમીન વેચાણ કે ખરીદી કરવી શક્ય નથી.

તેમ છતાં કેટલીક વેબસાઇટ ચંદ્ર પર જમીન વેચાણ આપતી હોવાનો દાવો કરે છે.આ વેબસાઇટોનો એવો પણ દાવો છે કે જમીન વેચાણ પ્રોજેક્ટ થકી જે આવક ઉભી થશે તેનો ૯૫ ટકા હિસ્સો ચંદ્ર પર થતા સંશોધનો માટે ખર્ચ કરવામાં આવશે જો કે આ દાવો પણ કેટલો સાચો કે ખોટો તે અંગે કોઇ ખરાઇ કરવામાં આવી નથી.

Share Now