અમદાવાદ, તા. 14 એપ્રિલ 2022, ગુરૂવાર : રાજકોટ કોંગ્રેસના આંતરિક જૂથવાદે અંતે પક્ષમાં મોટું ભંગાણ કર્યું છે.રાજકોટ ઈસ્ટ ધારાસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય,ગત ધારાસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી સામે ચૂંટણી લડનારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
શહેર કોંગ્રેસમાં આ નેતાએ અગાઉ જ્યારે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ દ્વારા તોડવામાં આવી રહ્યા હતા ત્યારે રાજ્યગુરૂએ પોતાના ફાર્મહાઉસમાં સૌરાષ્ટ્રના પોતાના ધારાસભ્યોને સાચવ્યા હતા.ઇન્દ્રનીલ રાજ્યગુરૂની સાથે મહાનગરપાલિકામાં હાલ કોંગ્રેસના 4 કોર્પોરેટરો પૈકી સૌથી સક્રિય ગણાતા પૂર્વ વિપક્ષી નેતા અને દલિત આગેવાન વશરામ સાગઠીયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાનું આજે જાહેર કર્યું છે.
કોંગ્રેસનાં સૂત્રોના અનુસાર રાજકોટ કોંગ્રેસમાં અશોક ડાંગર,મહેશ રાજપુત અને પ્રદીપ ત્રિવેદી વગેરેના કાર્ય પદ્ધતિ સામે પહેલેથી જ કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો છે અને આમ છતાં તાજેતરમાં સંગઠનમાં જે ફેરફાર કરાયો તેમાં પણ કોઈ નવા નેતા મૂકવાને બદલે કાર્યકારી પ્રમુખને શહેર પ્રમુખ બનાવી દીધા હતા જે કારણે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓ પહેલેથી જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં વલણ સુધારાતું નથી તેમ કહી ચુક્યા છે.