ફતેપુરાના વેપારીના ફોટા સાથેની પોસ્ટ વાયરલ કરનાર હજી પકડાયો નથી

79

વડોદરા,રાવપુરા રોડ પર થયેલા કોમી તોફાન દરમિયાન ફતેપુરા વિસ્તારમાં રહેતા ફરાસખાનાના વેપારી નો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને એવી કોમેન્ટ કરી હતી કે,આ શખ્સ ધમાલ કરવાની ઇચ્છાથી ઉભો છે.કાફી સારે મુસલમાનો કો યે અચ્છા લગતા હે.જે અંગે યુવકે સિટિ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.પરંતુ,પોલીસે હજી આ અંગે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી.

ફતપુરા વિસ્તારમાં રહેતા અને ફરાસખાનાનો ધંધો કરતા કૃણાલના ફોટા સાથેની પોસ્ટ કેટલાક મુસ્લિમ વિસ્તારના સોશિયલ મીડિયા ગૃપમાં વાયરલ થઇ હતી.જેમાં યુવકના ફોટા પર સર્કલ કરીને અલગ અલગ કોમેન્ટ લખવામાં આવી હતી કે,આ યુવક તોફાન કરવાના ઇરાદાથી ઉભો છે.જે પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે,કૃણાલ અને અન્ય યુવકો ધમાલ કરવાના ઇરાદાથી અમદાવાદી પોળ નજીક થયેલા તોફાન સમયે ત્યાં હાજર હતા.આ પોસ્ટ ધ્યાન પર આવતા યુવકે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી.જે અંગે ગરનાળા પોલીસ ચોકીના પી.એસ.આઇ.દ્વારા યુવકનો જવાબ પણ લેવામાં આવ્યો હતો.પરંતુ,હજીસુધી પોસ્ટ વાયરલ કરનારને પોલીસ શોધી શકી નથી.શહેરમાં પ્રવર્તી રહેલી શાંતિને ડહોળવા માટે આવી પોસ્ટ વાયરલ કરી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.

કોર્ટ કેસના સમાધાન માટે

દબાણ લાવવાની કોશિશ..

વડોદરા,ફરાસખાનાના વેપારી કૃણાલે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,મારા અને મારા ભાઇ પર વર્ષ-૨૦૧૬ માં હુમલો થયો હતો.જે અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો પણ દાખલ થયો હતો.મારો ભાઇ ૧૫ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યો હતો.તેને માથાના ભાગે ઇજા થઇ હતી.જે કેસની સુનાવણી હાલમાં કોર્ટમાં શરૃ થઇ છે.તે કેસમાં સમાધાન કરી લેવા માટે મારા પર દબાણ થઇ રહ્યું છે.પરંતુ, હું સમાધાન કરતો નથી.જેના કારણે મારા પર દબાણ કરવા માટે આવી પોસ્ટ વાયરલ કરી હોઇ શકે.

Share Now