વડોદરા, તા.10 યૂક્રેનમાં યુધ્ધના પગલે ભારતમાં ગોવા ખાતે ઇન્ટરનેશનલ ગેમ્સ ફેડરેશન ઓફ યુનાઇટેડ વર્લ્ડની રમાયેલી તિરંદાજી સ્પર્ધામાં વડોદરા જિલ્લા પોલીસની મહિલા કોન્સ્ટેબલે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.વડોદરા જિલ્લા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુજીબેન નગીનભાઇ રાઠવાને તિરંદાજીનો શોખ હોવાથી તેઓ તેની ટ્રેનિંગ લઇ શકે તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઇ શકે તે માટે જિલ્લા હેડક્વાર્ટરમાં જ તેમના માટે પોલીસતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.બે સંતાનની માતા સુજીબેનને આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટેની ટ્રેનિંગ માટે ખાસ આર્ચરીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
તા.૫થી ૮ મે સુધી ગોવામાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ એસોસિએટેડ ઇન્ટરનેશનલ ગેમ્સ ફેડરેશન ઓફ યુનાઇટેડ વર્લ્ડ(આઇજીએફ-વર્લ્ડ ગેમ્સ)ની તિરંદાજી સ્પર્ધા ગોવામાં યોજાઇ હતી.આ સ્પર્ધામાં ગુજરાત તરફથી સિનિયર વુમનમાં સુજીબેન રાઠવાએ ભાગ લીધો હતો.તેમની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કુલ ૫૦ જેટલા સ્પર્ધકો હતા જેમાં સુજીબેને ગોલ્ડ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત તરફથી સિનિયર મેન્સમાં બનાસકાંઠા એસઆરપીમાં ફરજ બજાવતા દલજીભાઇ ખેરે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમણે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.આમ આંતરરાષ્ટ્રીય તિરંદાજી સ્પર્ધામાં ગુજરાતને બે ગોલ્ડ મેડલ મળ્યા હતાં.