– ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું
– એસીબીએ તલાટીને નર્મદા અને અન્ય આરોપીને ગાંધીનગરથી ઝડપ્યા
રાજ્યમાં લાંચિયાઓને ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ કામ કરતી હોય છે.તેમ છતાં લાંચિયાઓમાં કોઇ ફર્ક પડ્યો નથી.તાજેતરમાં એક વ્યક્તિએ ખેતરમાં વિજ કનેક્શન લેવાનું હોવાથી મહિલા તલાટી સમક્ષ અરજી કરી હતી.અરજી સંદર્ભે કાર્યવાહી કરવા માટે મહિલા તલાટીએ રૂ. 1 લાખ માંગ્યા હતા.વ્યક્તિ પૈસા આપવા ન ઇચ્છતા હોવાના કારણે તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.એસીબીની ટ્રેપમાં મહિલા તલાટી અને ખાનગી વ્યક્તિ ઝડપાઇ ગયા છે.
સમગ્ર મામલ પ્રાપ્ત વિગતો અનુસાર, આ મામલે ફરિયાદીની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે ખેતીની જમીન આવેલી છે.જમીનની દેખરેખ અને જમીન લગત અન્ય કામગીરી આ ફરીયાદી સંભાળે છે.ઉપરોક્ત ખેતીની જમીનમાં ખેતીને લગત બીયારણ,ખાતર વિગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવી હતી.જેમાં વિજ મીટરની જરૂરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરી હતી.જે કાર્યવાહી કરવાના અવેજ પેટે નરખડી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા રૂ. 1,00,000/-ની લાંચ માંગવામાં આવી હતી.તલાટી દ્વારા ફરિયાદીને લાંચની રકમ આંગડીયા મારફતે આપી દેવા જણાવ્યું હતું.
મહત્વનું છે કે, ફરિયાદી આ લાંચની રકમ તલાટીને આપવા ન માંગતો હોવાથી તેના દ્વારા પોતાની સમજ મુજબ એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ફરિયાદી દ્વારા એસીબીને સમગ્ર બાબત વિશે માહિતી આપી તલાટી વિરુદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી એસીબીની ટીમે ફરિયાદને આધારે આરોપી નં-(૧) નિતાબેન મોકમભાઇ પટેલ( તલાટી, નરખડી ગ્રામ પંચાયત, તા.નાંદોદ, જી.નર્મદા વર્ગ-૩) અને આરોપી નં-(2) મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયા (ખાનગી વ્યક્તિ)ને પકડી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું.જે અંતર્ગત ફરિયાદીએ તલાટી અને ખાનગી વ્યક્તિ સાથે ફોન પર હેતુલક્ષી વાતચીત કરી હતી.ત્યારબાદ ફરિયાદીએ સુરતથી આંગડીયા મારફતે લાંચની રકમ રૂ.1,00,000/- ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી ખાનગી વ્યક્તિએ તેઓના ઓળખીતા 2 વ્યક્તિઓ મારફતે સ્વીકારી હતી.આ સમય દરમિયાન એસીબીની ટીમની નજર તલાટી અને ખાનગી વ્યક્તિ પર હોવાથી તલાટીને નર્મદા ખાતેથી અને ખાનગી વ્યક્તિની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
બંન્ને આરોપીને ધરપકડ કર્યા બાદ એસીબી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.ત્યારબાદ ફરિયાદી પાસેથી તે લોકોએ સ્વીકારેલી લાંચની રકમ રૂ.1,00,000/- રીકવર કરવામાં આવી હતી.તેની સાથે એસીબી દ્વારા બંન્ને આરોપી વિરુદ્વ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.