સુરત ક્રાઇમ બ્રાન્ચે 8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો : મધ્ય પ્રદેશથી ઝડપ્યા આરોપીઓ

81

સુરત, 13 જાન્યુઆરી 2023 શુક્રવાર : 8 મહિના પહેલા સુરતના અડાજણ બસ ડેપો પાસે SMCના પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની હત્યા કરવામાં આવી હતી.હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે.આ ગુનાના બન્ને આરોપીઓની મધ્ય પ્રદેશના ધારમાંથી ધરપકડ કરવામાં આવી છે.આ બન્ને આરોપીઓ આંતરાજ્ય ગેંગના સાગરીતો છે અને ધાડ પાડવાના ગુનામાં મધ્ય પ્રદેશા ધાર જિલ્લાની જેલમાં બંધ હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, 5 મે 2022ના રોજ અડાજણ બસ ડેપો પાસે આવેલા SMCના પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.આ બનાવનો ગુનો રાંદેર પોલીસ મથકમાં નોંધાયો હતો.જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.બનાવ બન્યાના 8 મહિના બાદ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ચોકીદારની હત્યાની તપાસ કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આ ગુનાના આરોપી મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના છે.બાતમીના આદારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધાર પહોંચી હતી.જ્યાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ હાલ ધાડ પાડવાના ગુનામાં મધ્ય પ્રદેશના ધારની જિલ્લા જેલમાં બંધ છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને આકરી પૂછપરછ કરતા આરોપીઓએ હત્યા કર્યાનો ગુનો કબુલી લીધો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે વોચમેન સાથે પૈસાની લેતીદેતીમાં ઝગડો થયો હતો.ઝગડાની અદાવતમાં મિત્રો સાથે મળીને તેની હત્યા કરવામાં આવી હતી.ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ રીઢા ગુનાગારો છે અને મધ્ય પ્રદેશમાં તેમની વિરુદ્ધ ઘરફોડ,ચોરી અને ધાડ પાડવાની તૈયારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ

– પંકજ ઉર્ફે ગલિયો કૈલાશ રાઠોડ,રહે.-છત્રિપાલ,ધાર, મધ્ય પ્રદેશ
– શિવા હિરાલાલ ચૌહાણ,રહે.-બંડા બસ્તિ,દશહરા મેદાન,ધાર, મધ્ય પ્રદેશ

આ અંગે ડીસીપી રુપલ સોલંકીએ જણાવ્યું હતું કે, ચોકીદારની હત્યા કર્યા બાદ આરોપીઓ મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં જઇ રહ્યાં હતા.જ્યાં તેઓ આર્મ્સ સાથે ધાડ પાડવાની યોજના બનાવી રહ્યાં હતા.પંકજ ઉર્ફે ગલિયો કૈલાશ રાઠોડ નામના આરોપી વિરુદ્ધ ઘરફોડ,ધાડ,આર્મ્સ સહિતના 9 જેટલા ગુના નોંધાયેલા છે.જ્યારે અન્ય આરોપી શિવા હિરાલાલ ચૌહાણ વિરુદ્ધ 3 જેટલા ગુના નોંધાયેલા છે.ચોકીદારની હત્યા કર્યા બાદ આરોપીઓ સુરત છોડીને ફરાર થઇ ગયા હતા.ગુનાનો ભેદ ઉકેલવા માટે 8 મહિનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહેનત કરી રહી હતી.પકડાયેલા આરોપીઓ સુરતમાં રહેતા હતા અને કોન્ટ્રાક્ટ પર રહીને કામ કરતા હતા બાદમાં ગુનો આચરતા હતા.

Share Now