ગુજરાત વિધાનસભા ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે સંસદીય કાર્યશાળાનો આજથી પ્રારંભ

89

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2023, બુધવાર : ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા.15 અને 16મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત વિધાનસભામાં તા. 15 ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન થશે.જ્યારે તા. 16મી ફેબ્રુઆરીના રોજ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું સમાપન થશે.આ સંસદીય કાર્યશાળામાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના અતિથી વિશેષ પદે યોજાશે.

સંસદીય કાર્યશાળાના આયોજન ની વિગતો આપતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે,બે દિવસીય આ સંસદીય કાર્યશાળામાં 10થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે.જેમાં સંસદીય લોકશાહીમાં જન પ્રતિનિધિઓની ભૂમિકા, વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય અને શું ન કરી શકાય?, સ્ટ્રેસ મેનેજમેન્‍ટ,સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા,સંસદીય વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે,G-20માં ભારતનું પ્રમુખ સ્થાન,સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ,કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ,વિધાનસભામાં નાણાકીય કામકાજ,વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે.આ તમામ વિષયો પર સંસદના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.

ગુજરાત વિધાનસભા ખાતે યોજાનાર આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં ચૂંટાયેલા તમામ પક્ષના ધારાસભ્યો,સંસદસભ્યો,પૂર્વ અધ્યક્ષો,પૂર્વ મુખ્યમંત્રીઓ,પૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ સહિત બુદ્ધિષ્ઠ નાગરિકો સહભાગી બનશે.

Share Now