– 2 પ્રવાસીઓની ફરિયાદ બાદ સીબીઆઈ તપાસમાં પર્દાફાશ
– પ્રવાસીઓ કાયદેસર વસ્તુ લાવ્યા હોય છતાં ધમકાવી લોડરોના યુપીઆઈમાં પૈસા જમા કરાવતા હતાઃ ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની શંકા
મુંબઈ, 15 ફેબ્રુઆરી 2023, બુધવાર : મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતા એક ડિજીટલ ખંડણી રેકેટનો પર્દાફાશ કરી સીબીઆઈએ કુમાર આલોક નામના એક કસ્ટમ્સ સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ કરી હતી. સીબીઆઈએ ખૂબ જ ઊંડી તપાસ કરી મહત્ત્વના પુરાવા એકઠા કર્યા બાદ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતા વ્યાપક ભ્રષ્ટાચારને ઉઘાડો પાડયો હતો. કસ્ટમ્સ અધિકારીઓ પ્રવાસીઓને છેતરી જે ખંડણી પડાવતા તે અહીં કામ કરતા લોડરોના યુપીઆઈ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા.
મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ વિદેશથી સોનું અથવા ઈલેક્ટ્રોનિક સામાન સાથે આવતા પ્રવાસીઓને અટકાવી તેઓ નિયત મર્યાદાથી વધુ રકમની વસ્તુઓ લાદ્યા છે તેવું જણાવી તેમની સામે કેસ નોંધવાની ધમકી આપી અંતે ‘માંડવાળી’ કરતા હતા.આ લોકો ત્યારબાદ સંબંધિત પ્રવાસીઓ પાસેથી ખંડણીની રકમ એરપોર્ટ પર કામ કરતા લોડરોના જી-પે ઓનલાઈન એકાઉન્ટ પર જમા કરાવવાનું કહેતા.ત્યારબાદ આ રકમ ધરપકડ કરાયેલા કસ્ટમ અધિકારીઓના ખાતામાં જમા કરાવવામાં આવતી અને આ રકમનો ઉપયોગ એક આઈઆરએલ (ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ) અધિકારી અને તેના પરિવારજનોના હોટલ અને ફલાઈટ બુકીંગ માટે વાપરવામાં થતો હતો.
આ સંદર્ભે ઝુબીન મહેતા અને ધવલ છેડા નામના બે પ્રવાસીઓએ કરેલી ફરિયાદને આધારે સીબીઆઈએ વધુ તપાસ ચલાવતા આ વ્યાપક ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો.છેડા અને મહેતા તેમના અંગત ઉપયોગ માટે સોનાની ચેન લાવ્યા હતા.ધરપકડ કરાયેલા કુમાર આલોક આ લોકોને દોઢ કલાક સુધી તાબામાં લઈ તેમની પૂછપરછ કરી હતી અને સ્મગલિંગનો ફોજદારી કેસ દાખલ કરવા સાથે ધરપકડની ધમકી આપી એરપોર્ટના લોડર સંજય જોશી અને પ્રકાશ અંબેડેના ખાતામાં ૧૭ હજાર અને ૧૩ હજારની રકમ ઓનલાઈન જમા કરાવી હતી.
આ સંદર્ભે સીબીઆઈના એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે કસ્ટમના અધિકારીઓ અહીં કામ કરતા લોડરોને ધમકાવી પટાવી તેમના ખાતામાં આ રકમ જમા કરાવી લેતા.આ રકમ અંતે કોના ખાતામાં જમા થતી તેની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે સંજય જૌશીના જી-પે ખાતામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ખંડણી સ્વરૃપે ૧૭ લાખ રૃપિયા જમા થયા હતા.આમાંથી મોટાભાગની રકમ કુમાર આલોકના ખાતામાં જમા થઈ હોવાનું બહાર આવ્યું હતું અને ઉંડી તપાસમાં આ રકમ એક આઈઆરએસ અધિકારીના પરિવારજનોના હોટલ અને ફલાઈટ બુકિંગ પાછળ વપરાતી હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ સંદર્ભે સીબીઆઈએ વિશેષખ સીબીઆઈ અદાલતમાં આપેલ રિમાન્ડ અરજીમાં જણાવ્યું છે કે ખંડણીના આ રેકેટમાં કસ્ટ્મ્સ વિભાગના ઘણા ઉચ્ચાધિકારીઓ પણ સામેલ છે.આ સિવાય એક અધિકારી અનુસાર મુંબઈના એરપોર્ટના પેસેન્જર ટર્મિનલ પર કામ કરતા અધિકારીઓ પર કોઈ નજર રાખવામાં આવતી નથી.આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખંડણીનું નેટવર્ક ચલાવવા ઉચ્ચાધિકારીઓ પર પસંદગી ઉતારે છે અને વ્યાપક ભ્રષ્ટાચાર આચરે છે.આ ઉપરાંત કસ્ટમ્સના ઉચ્ચાધિકારીઓ પણ વ્યાપક ભ્રષ્ટાચાર તરફ આંખ આડા કાન કરે છે.