– આ દિવસ નેતાજીની અદમ્ય ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવાને માન આપવા અને યાદ કરવા માટે ઊજવવામાં આવે છે
ભારત સરકારે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિને `પરાક્રમ દિવસ` તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે.આ વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે.નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો.આ દિવસ નેતાજીની અદમ્ય ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવાને માન આપવા અને યાદ કરવા માટે ઊજવવામાં આવે છે.નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.તો આવો જાણીએ તેનો ઈતિહાસ…
તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ રાજ્યમાં તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીની સરકારના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જાન્યુઆરી, 2021ના રોજ નેતાજીની જન્મજયંતિ પર પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વર્ષ 2022થી આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઊજવવામાં આવશે.
પરાક્રમ દિવસ કેવી રીતે ઊજવવામાં આવે છે?
સામાન્ય રીતે આ દિવસે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવે છે.તેમજ કૉલેજ અને યુનિવર્સિટીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ભાષણનું પણ આયોજન કરવામાં આવે છે,જેમાં વિદ્યાર્થીઓ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે તેમના વિચારો વ્યક્ત કરે છે.આ દિવસે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ચાહકો પણ એક સભાનું આયોજન કરે છે અને લોકોને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા દેશના હિતમાં કરેલા કાર્યો વિશે જણાવે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા લે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સોમવારે પરાક્રમ દિવસના અવસર પર મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી અને તેમના યોગદાનને યાદ કર્યું.
પીએમ મોદીએ નેતાજીને યાદ કર્યા
મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, આજે પરાક્રમ દિવસ પર હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભારતના ઇતિહાસમાં તેમના અનન્ય યોગદાનને યાદ કરું છું.તેમને સંસ્થાનવાદી શાસનનો સખત વિરોધ કરવા માટે યાદ કરવામાં આવશે.તેમના વિચારોથી પ્રેરિત થઈને,અમે તેમના ભારત માટેના વિઝનને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છીએ.
પ્રતિષ્ઠિત નોકરી છોડી દેશની આઝાદીની લડાઈમાં જોડાયા
નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો.તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું. સુભાષ ચંદ્ર બોઝ બાળપણથી જ બુદ્ધિશાળી હતા અને અભ્યાસમાં પણ હોંશિયાર હતા.તેમણે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સિવિલ પરીક્ષા પાસ કરી, પરંતુ 1921માં જ્યારે તેમણે ભારતમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા શોષણ વિશે વાંચ્યું ત્યારે તેમણે તે જ સમયે ભારતને આઝાદ કરવાની પ્રતિજ્ઞા લીધી અને ઇંગ્લેન્ડમાં વહીવટી સેવાની પ્રતિષ્ઠિત નોકરી છોડીને પાછા ફર્યા.તેમના દેશમાં ગયા અને સ્વતંત્રતા ચળવળમાં સામેલ થયા.આ દરમિયાન તેમણે પોતાની સેના બનાવી.તેમનું સૂત્ર હતું ‘તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા’.તે નેતાજી જ હતા કે જેમણે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સંબોધ્યા હતા.
કેવી રીતે મળી નેતાજીની ઉપાધી
તમને જણાવી દઈએ કે જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે પહેલીવાર સુભાષ ચંદ્ર બોઝને નેતાજી કહ્યા હતા.જણાવી દઇએ કે હિટલર કોઈને ડાયરેક્ટ મળ્યો ન હતો, તેને તેના મોતનો ડર હતો,તેથી તેણે તેના જેવા દેખાતાં બહેરુપિયાઓ તૈયાર કર્યા હતા. નેતાજી જ્યારે હિટલરને મળવા ગયા ત્યારે તેમની સામે હિટલરની ડુપ્લિકેટ દેખાયો,પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં.આ પછી હિટલર પોતે નેતાજી પાસે આવ્યો,પછી નેતાજીએ તેમનું અભિવાદન કર્યું.તેમની ચતુરાઈ જોઈને હિટલરે તેમને નેતાજીનું બિરુદ આપ્યું.ત્યારથી તેઓ નેતાજીના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત થયા.સુષાભ ચંદ્ર બોઝને નેતાજીની સાથે દેશના હીરો પણ કહેવામાં આવે છે.કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝને રવીન્દ્રનાથ ટાગોર પાસેથી દેશ નાયકનું બિરુદ મળ્યું હતું.
સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુની વાત કરીએ તો તે આજ સુધી એક રહસ્ય જ રહ્યું છે,કારણ કે આજ સુધી તેમના મૃત્યુ પરથી પડદો ઉઠાવી શકાયો નથી.જણાવી દઈએ કે 1945માં જાપાન જતી વખતે સુભાષ ચંદ્ર બોઝનું વિમાન તાઈવાનમાં ક્રેશ થયું હતું. જોકે, અકસ્માત બાદ તેનો મૃતદેહ મળ્યો ન હતો.