મુંબઇ : પુણેમાં આજે વિવિધ હિન્દુ સંગઠનોએ સકલ હિન્દુ સમાજના નેજા હેઠળ લવ-જેહાદ, ગરેકાયદે ધર્માંતરણ અને ગૌહત્યાના વિરોધમાં ભવ્ય જન આક્રોશ મોર્ચો કાઢ્યો હતો.આ મોર્ચો ઐતિહાસિક લાલ મહલથી શરૂ થઈ પાંચ કિ.મી. ડેક્કન વિસ્તારના છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા પાસે સંપન્ન થયો હતો.મોર્ચાના આયોજકોએ છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની પુણ્યતિથિને બલીદાન દિન તરીકે જાહેર કરવાની માગણી કરી હતી.વર્ષ ૧૬૮૯માં મોગલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ બાદ સંભાજી મહારાજ પર ભારે અત્યાચાર ગુજાર્યા બાદ તેમને મારી નાખવામાં આવ્યા હતા.
આ રેલીમાં ભાજપના ધારાસભ્ય શિવેન્દ્ર રાજે ભોંસલે, તેમના હૈદ્રાબાદના સમકક્ષ ટી.રાજા. સિંહ અને અન્ય આગેવાનો આ રેલીમાં જોડાયા હતા.સિંહે આ સમયે કહ્યું હતું કે દેશમાં લવ-જેહાદ,ગેરકાયદે ધર્માંતરણ,ગૌહત્યા વગેરેના કિસ્સા વધ્યા છે.હું રાજ્ય સરકાર તેમ જ કેન્દ્ર સમક્ષ માગ કરું છું કે લવ-જેહાદ સામે કાયદો લાવે.આ સાથે જ તેમણે સંભાજી મહારાજ પર રાજનીતિ કરવાનું બંધ કરવું જોઈએ તેવું જણાવ્યું હતું.
થોડા સમય પહેલા મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા અજિત પવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજ સ્વરાજ્ય રક્ષક હતા અને કેટલાક લોકો દ્વારા તેમને ‘ધર્મવીર’ કહેવાય છે તે ખોટું છે.પવારના આવા નિવેદન બાદ ભાજપાએ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યું હતું.