ક્યારે મનાવાશે વસંત પંચમી? જ્ઞાનની દેવીને આ રીતે કરો પ્રસન્ન

45

હિંદુ પંચાંગ અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમે દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે.આ વર્ષે વસંત પંચમી 26 જાન્યુઆરીના રોજ મનાવાશે.વસંત પંચમીને શ્રી પંચમી અથવા જ્ઞાન પંચમી પણ કહેવાય છે.એવી માન્યતા છે કે સૃષ્ટિના રચયિચા ભગવાન બ્રહ્માના મુખમાંથી વસંતપંચમીના દિવસે જ જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતી પ્રગટ થઇ હતી,તેથી જ આ દિવસે માતા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે આ દિવસે માતા સરસ્વતીની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે.જ્ઞાનના ઉપાસક વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પુજા વિધિ વિધાનપુર્વક કરે છે.આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાની પણ માન્યતા છે.

પુજાનું મુહુર્ત

આ વર્ષે વસંત પંચમીની તારીખને લઇને ખુબ જ કન્ફ્યુઝન છે.કોઇ 25 જાન્યુઆરીએ વસંત પંચમી મનાવવાની વાત કરે છે,તો કોઇ 26 જાન્યુઆરીએ.જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ જે દિવસે ઉદયતિથિ હોય તે દિવસે કોઇ પણ પર્વ ઉજવવામાં આવે છે.આ વર્ષે 26 જાન્યુઆરીએ સવારે વસંત પંચમી શરૂ થશે તેથી આજ દિવસે તે મનાવાશે.મહા મહિનાની શુક્લ પંચમી 25 જાન્યુઆરી 2023ના રોજ બપોરે 12.34 વાગ્યે શરૂ થશે અને તેનુ સમાપન 26 જાન્યુઆરી સવારે 10.28 વાગ્યે થશે.જોકે ઉદયા તિથિ અનુસાર આ તહેવાર 26 જાન્યુઆરીએ જ મનાવાશે. 26 જાન્યુઆરીએ પુજાનું મુહુર્ત સવારે 7.07થી લઇને સવારે 10.28 વાગ્યા સુધી રહેશે.

વસંતપંચમીનું મહત્ત્વ : આમ કરો પુજા

આ દિવસથી વસંત ઋતુનુ આગમન થાય છે.આ દિવસે સંગીત અને જ્ઞાનની દેવીની પુજા કરવામાં આવે છે.આ દિવસે કોઇ પણ માંગલિક કાર્યની શરૂઆત કરવાનું ખુબ જ શુભ માનવામાં આવે છે.માતા સરસ્વતીની પુજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવાનું શુભ માનવામાં આવે છે.પુજાના સમયે દેવીને કેસર કે પીળા ચંદનનું તિલક અર્પણ કર્યા બાદ આ ચંદન તમારા માથા પર લગાવો.સરસ્વતી માતાની પુજા કર્યા બાદ તે તરત જ તમારી પર કૃપા વરસાવાનું શરૂ કરી દે છે.કોઇ પણ દેવી કે દેવતાને પ્રસન્ન કરવા માટે તેમને નિવેધ ધરાવો અને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

Share Now