કાપડબજારમાં અચાનક આવી તેજી, જાણો કયો છે તેનો મોટો પુરાવો

73

કોરોના મહામારીને કારણે લગભગ 8 મહિનાથી સુસ્ત થઇ ગયેલા કાપડબજારમાં હવે જાન આવી છે.બજારમાં ચહલ પહલ દેખાવા માંડી છે.સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા રિંગરોડ પર છેલ્લાં 8 મહિનાથી રસ્તા સુમસામ ભાસતા હતા,પણ આજે તમે જાવો તો ફરી એકવાર ધમધમાટ જોવા મળી રહ્યો છે.

15 દિવસ પહેલાંની જ વાત કરીએ તો સુરતથી દેશના જુદા જુદા રાજયોમાં 150 થી 175 જેટલા પાર્સલોની ટ્રક જતી હતી,પરંતુ દિવાળીના તહેવારો નજીક આવતા દેશાવરની ઘરાકી નીકળી અને હવે લગભગ 250થી વધુ પાર્સલની ટ્રક રોજની જતી જઇ ગઇ છે.સુરત માટે આ સારા અણસાર છે,કારણ કે સુરતની ઇકોનોમી બે મહત્ત્વના ઉદ્યોગો ડાયમંડ અને ટેક્સટાઇલ પર વધારે નિર્ભર છે.

આમ જોવા જઇએ તો કાપડ ઉદ્યોગ ઘણા લાંબા સમયથી સંઘર્ષનો સામનો કરી રહ્યો છે.નોટબંધી,પછી જીએસટી અને તે પછી કોરોનાની મહામારી.જીએસટીના સમયમાં પણ કાપડ ઉદ્યોગે લાંબો સમય બંધ પાળ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું.કોરોના મહામારીમાં માર્ચ મહિનાથી લોકડાઉનને કારણે કાપડ બજાર સંર્પૂણ બંધ રહ્યું હતું.અનલોક પછી પણ કાપડબજારો ખુલી શકયા નહોતા,કારણ કે કેટલોક વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતો હતો.

પણ હવે દિવાળીનો તહેવાર નજીક આવ્યો છે ત્યારે કાપડ બજારમાં ફરી એકવાર રોનક દેખાવા માંડી છે.જયાં 15 દિવસ પહેલાં રોજની 150 ટ્રક દેશભરમાં જતી હતી તે હવે 250 જેટલી ટ્રક રોજની જવા માંડી છે.રિંગરોડ પર કાપડના જથ્થા અને માર્કેટમાં તૈયાર પાર્સલના ખડકલાં દેખાવા માંડયા છે.મીલોમાં ટેમ્પોની અવર જવર વધવા માંડી છે. ઓવર ઓલ કાપડ માર્કેટ હવે ધમધમતું થયું છે.

સુરત ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ યુવરાજ દેસલેએ કહ્યું હતુ કે ગયા મહિનામાં દક્ષિણ ભારતમાં પાર્સલ વધુ ગયા હતા,એ સિવાયના રાજયોમાં સુસ્તી હતી. અનલોક પછી રોજની 150 ટ્રક સુરતથી જતી હતી,પણ છેલ્લાં 15 દિવસથી હવે 250થી વધારે ટ્રક રોજની જઇ રહી છે.આ સંખ્યા હજુ વધતી રહેશે એમ દેસલેએ કહ્યું હતું.

કાપડના વેપારી અરૂણ પાટોડીયાએ કહ્યું હતું કે,દિવાળીના આગલા દિવસ સુધી કાપડની ડિમાન્ડ રહેશે એવું લાગે છે.દિવાળી પછી લગ્નસરાંની સિઝન પણ શરૂ થશે. લગ્ન પ્રસંગ માટે પણ લહેંગાની ડિમાન્ડ વધી છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here