વડોદરા જિલ્લામાં બુટલેગર- ભૂમાફિયાએ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવતા પક્ષમાં જ ડખા શરૂ

256

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.ત્યારે ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.ભાજપમાં મહાનગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોનો રાફડો ફાટયો છે.ત્યારે એક માહિતી મળી રહી છે કે,વડોદરા જિલ્લામાં ચૂંટણી લડવા માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાજપના કાર્યકર્તાઓએ પણ ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારી નોંધાવી હતી.ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાર્યકર્તાઓએ પણ ટિકિટ માગી હોવાના કારણે ભાજપનો વિખવાદ સામે આવી રહ્યો છે.કારણ કે,કેટલાક કાર્યકર્તાઓ અને આગેવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાર્યકર્તાઓને ટિકિટના ન આપવા માટે નિરીક્ષકો સામે રજૂઆતો કરી રહ્યા છે ત્યારે આ બાબતે તાલુકા ભાજપના પ્રમુખ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિનો કેસ જૂનો થઈ ગયો હોવાનું અને તેમને ફરીથી ભાજપમાં લીધા હોવાનું કહી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા દાવેદારનું નામ દિનેશ રબારી છે.તેને શિનોર તાલુકા પંચાયતની શિનોર-2 બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.આ બાબતે તેને નિરીક્ષકો સામે પોતાનો બાયોડેટા રજૂ કર્યો છે. મહત્ત્વની વાત છે કે,દિનેશ રબારીએ શિનોરના જૂતા કાંડના આરોપી રશ્મિન પટેલની માતાના નામે દસ્તાવેજ કરાવીને NRIની જમીનની બોગસ પાવર ઓફ એટર્ની ઊભી કરી હતી.આ બાબતે તેને જેલની સજા પણ થઇ ગઇ છે.હાલ તે જામીન પર મુક્ત છે.જામીન પર મુક્ત થયા બાદ તેને હવે શિનોર-2 બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે જેની સામે ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે.

મહત્ત્વની વાત છે કે દિનેશ રબારી એક સમયે ભાજપ તાલુકા મહામંત્રીના હોદ્દા પર હતો પરંતુ તેની સામે જમીન પચાવવા બોગસ દસ્તાવેજો ઉભા કરવા બાબતે ફરિયાદ નોંધાતા તેને ભાજપમાંથી મહામંત્રી પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શિનોરમાં ભૂમાફિયાઓ દ્વારા ટિકિટ માગવામાં આવતા કાર્યકર્તાનો વિરોધ સામે આવ્યો છે.તો બીજી તરફ વડોદરા નજીક આવેલા ભાયલી ગામના એક બુટલેગર દ્વારા પણ જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે દાવેદારી કરવામાં આવી છે.આ બુટલેગરનો પણ ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે.ત્યારે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટી ભૂમાફિયા અને બુટલેગરને ટિકિટ આપે છે કે નહીં તે જોવાનું રહ્યું.

મહત્ત્વની વાત છે કે, ભૂમાફિયા એવા દિનેશ રબારીએ ટિકિટ માગવા બાબતે ભાજપના જિલ્લા પ્રમુખ ચંદ્રવદન પટેલે જણાવ્યું હતું કે,તેમનો કેસ જૂનો થઈ ગયો છે અને તેમને પક્ષમાં ફરીવાર લેવામાં આવ્યા છે.તેમને શિનોર-2 તાલુકા પંચાયત બેઠક પરથી દાવેદારી કરી છે.

Share Now