સુરત ભાજપ વિરોધી બેનરો લાગવા સાથે કાર્યકરો પક્ષ છોડી આપમાં જોડાઈ રહ્યા હોઈ નેતાઓનું ટેંશન વધ્યું : ડેમેજ કંન્ટ્રોલ રોકવું બન્યું જરૂરી

85

ભાજપના ગઢમાં ગાબડા પડી રહ્યાં છે પરંતુ ભાજપના નેતાઓ કહે છે જે આપમાં જોડાઈ રહ્યાં છે તે ભાજપના કાર્યકરો જ નથી

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાંથી આપમાં કાર્યકરો જોડાવવા સાથે ભાજપના ગઢમાં ભાજપ વિરોધના બેનરનો સીલસીલો શરૃ થયો છે.ભાજપને ખેસ છોડીને આપની ટોપી પહેરતાં કાર્યકરોની સંખ્યામાં સતત વધારો થતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે.છેલ્લા દોઢેક મહિનામાં ભાજપના એક હજારથી વધુ કાર્યકરો આપમાં જોડાયા હોવાનો દાવો થઈ રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીલ પાવર ઘટી રહ્યો હોય પ્રદેશ પ્રમુખના હોમ ટાઉનમાં જ ભાજપના ગઢમાં ગાબડાં પડી રહ્યાં છે.ભાજપનો ગઢ ગણાતા સેન્ટ્રલ ઝોનમાં ભાજપ વિરોધી બેનર લાગવા સાથે આપનું કાર્યાલય પર ખોલી દેવામા આવ્યું છે. ભાજપનો બીજો ગઢ એવા વરાછા વિસ્તારમાં ઘણાં સમયથી ભાજપનો વિરોધ થઈ રહ્યો છે.ત્યાર બાદ હવે ભાજપ માટે સૌથી સલામત રાંદેર ઝોન વિસ્તારમાં ભાજપના વિરોધ સાથે ભાજપના સભ્યો આપમાં જોડાયાનો દાવો કરવામા આવ્યો છે.રવિવારે અડાજણ-રાંદેર ઉપરાંત ખટોદરા વિસ્તારના ભાજપના સંખ્યાબધ કાર્યકરો આપમાં જોડાયા છે,જેના કારણે ભાજપના નેતાઓની ચિંતામાં વધારો થયો છે.ભાજપના નેતાઓ આપમાં કાર્યકરો જોડાવવાની વાતને નકારી રહ્યાં છે.શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાઝમેરા કહે છે,વરાછા વિસ્તારમાં જે લોકો જોડાયા હતા તે ભાજપના કાર્યકરો હતા જ નહીં.પરંતુ સોસાયટીમાં મીટીંગ કરીને તેઓ સાથે ફોટો સેશન કરાવીને ભાજપમાં જોડાયા હોવાની વાત વાયરલ કરવામાં આવી રહી છે.આજે રાંદેર- અડાજણ અને ખટોદરામાં દાવો કરવામા આવ્યો છે તેમાં પણ તપાસ કરી રહ્યાં છે અને તેમાં પણ આ પ્રકારની જ સ્ટેટજી અપનાવવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે.પાટીદાર અનામત આંદોલન વખતે પણ સુરતમાં ૧૨માંથી ૧૨ વિધાનસભાની બેઠક જીતીને સુરત ભાજપનું ગઢ બની ગયું હતુ.જોકે, હવે મ્યુનિ.ની ચૂંટણી બાદ ભાજપના જ જુના અસંતુષ્ટો બેઠા થયાં છે અને તેમાંથી ઘણાં આપની કંઠી બાંધે તેવી શક્યતા હોવાથી ભાજપના નેતાઓનું ટેન્શન વધ્યું છે.જો ભાજપ આ ડેમેજ કંટ્રોલ નહીં રોકે તો આગામી વિધાનસભામાં ૧૨માંથી ૧૨ વિધાનસભા જીતવાનો રેકોર્ડ તુટી શકે તે શક્યતા નકારી શકાતી નથી.

Share Now