ઝૂમ બરાબર ઝૂમ : ગુજરાતમાં ગાંધીના ગામમાં 20 મહિલા સહિત 1944 પાસે દારૂની પરમીટ

41

રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારીની વાતો સામે ગાંધી જન્મભૂમિ પોરબંદર ખાતે જ છેલ્લા અઢી વર્ષમાં પોણા કરોડનો દારૂ ઝડપાયો છે.જેમાં 7314 લોકો સામે પ્રોહીબીશનના 6626 કેસ નોંધાયા છે.તો બીજી બાજુ જીલ્લામાં 20 મહિલાઓ સહીત 1944 લોકો હેલ્થ પરમીટ ધરાવે છે.

મહાત્મા ગાંધીજીના નામ પર સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે અને સરકાર દ્વારા નશાબંધી અંગે જાગૃતિ માટે ખાસ વિભાગ બનાવી અને વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ નશાબંધીની અમલવારી માટે કરવામાં આવે છે તો બીજી તરફ્ રાજ્યમાં કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે અને ઝડપાઈ પણ છે દારૂ પીવામાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમી પણ પાછળ નથી.અહી છેલ્લા અઢી વર્ષમાં પોણા કરોડનો દારૂ ઝડપાયો છે જેમાં 2019માં પોલીસે પીવાના 1419 ગુન્હા નોંધ્યા છે જયારે કબ્જાના 1339 મળી કુલ પ્રોહીબીશનના 2758 ગુન્હા નોંધી 3060 આરોપીઓ પાસેથી રૂ. 4383933નો મુદામાલ કબજે કર્યો હતો તો 2020માં પીવાના 1154 કેસ અને કબજાના 1528 કેસ મળી પ્રોહીબીશનના કુલ 2682 ગુન્હા નોંધી 2866 આરોપીઓની ધરપકડ કરી .રૂ.2104306નો મુદામાલ કબજે કર્યો હતો.જયારે ચાલુ વર્ષ 2021ના પ્રથમ છ માસમાં પીવાના 538 કેસ અને કબ્જાના 648 કેસ મળી કુલ 1186 કેસ નોંધી 1388 આરોપીઓ પાસે થી રૂ.595114નો મુદામાલ કબજે કર્યો હતો આ તો ગેરકાયદે દારૂ પીવાના ગુન્હા છે,જયારે જીલ્લામાં 1944 લોકો પાસે તો કાયદેસર દારૂ પીવા માટેની હેલ્થ પરમીટ પણ છે જેમાં વીસ મહિલાઓ પણ દારૂની પરમીટ ધરાવે છે તો 450 આર્મી પરમીટ,91 ટેમ્પરરી રેસીડેન્ટ પરમીટ અને 7 પોરબંદર માં કામચલાઉ ધોરણે વસતા બીજા રાજ્યોના લોકો પરમીટ ધરાવે છે જો કે હેલ્થ પરમીટ ધરાવતા લોકોમાંથી અનેક લોકો લીક્નર શોપમાંથી દારૂની ખરીદી કર્યા બાદ વેચી નાખતા હોવાની પણ ચર્ચા છે પોરબંદરમાં લીક્ર શોપ ન હોવાથી પરમીટ ધારકો દર મહીને રાજકોટ અને જામનગર ખાતે જઈ દારૂની ખરીદી કરે છે.

ગાંધીજી દારૂબંધીના પ્રખર હિમાયતી હતા- પોરબંદર માં ગાંધીવાદી વિચારધારા ધરાવતા હિતેશભાઈ દત્તાણીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી દારૂબંધી ના પ્રખર હિમાયતી હતા તેઓનું દારૂબંધી પાછળનું મુખ્ય કારણ એ હતું કે દારૂ પીને વ્યક્તિ પોતે તો બરબાદ થાય જ છે.સાથે સાથે પરિવારને પણ બરબાદ કરે છે.દારૂના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે સાથે સાથે નશા ની હાલતમાં વ્યક્તિ ન કરવાનું પણ કરી બેસે છે અને ધંધા રોજગારમાં થતી આવક નો મોટો હિસ્સો દારૂ પાછળ ખર્ચે છે જેથી વ્યક્તિ આર્થિક રીતે પણ પાયમાલ થાય છે જેથી ગાંધીજી દારૂ ને દુષણ માનતા હતા.

બરડાડુંગરમાં દેશી દારૂની અનેક ભઠ્ઠી- પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતા બરડા ડુંગરનું લીલુછમ સૌંદર્ય અને પ્રાકૃતિક સંપદાને બૂટલેગરો બેફમપણે લૂંટી રહ્યા છે.અહી દેશી દારૂ ની અનેક ભઠ્ઠીઓ આવેલી છે પોરબંદર,રાણાવાવ,ઉપરાંત અન્ય જીલ્લા માં પણ અહીંથી દેશી દારૂ સપ્લાય કરવામાં આવે છે વનસ્પતિ શાસ્ત્ર્રીઓ માટે બરડો ડુંગરએ વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર અને સંશોધનનો વિષય છે.પરંતુ બરડા ડુંગરની વનસ્પતિ નિર્દયી અને સ્વાર્થી બુટલેગરોને કારણે લુંટાઈ રહી છે.એક સમયે જગતભરમાં જેની ગણના થાય તેવી વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ અહીંથી મળતી હતી,આજે અનેક કિંમતી ઔષધીઓના વૃક્ષોનો નાશ થઈ ગયો છે.

Share Now