ગાંધીનગર,તા 13 જાન્યુઆરી 2023 : 8 ડિસેમ્બર 2022- આ દિવસે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં.ત્યારપછી 156 બેઠકો જીતીને ભાજપે મુખ્યમંત્રી નક્કી કર્યા, મંત્રીઓ નક્કી કર્યા,તેમને ખાતાંઓની ફાળવણી કરાઈ અને નવા મંત્રીઓ સહિત આખી સરકારે કામ ચાલુ પણ કરી દીધું.બીજી તરફ 17 બેઠકો લઈને કોંગ્રેસ એક વિપક્ષ નેતાનું નામ પણ નક્કી કરી શકવાની હાલતમાં નથી.
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સત્તાની એકદમ નજીક પહોંચી ગઈ હતી.પરંતુ પાંચ વર્ષ પછી એવી ભૂંડી હાલત થઇ કે પાર્ટીને ગણીને 17 બેઠકો મળી,જે વિપક્ષનું પદ મેળવવા માટે પણ પૂરતી નથી.વિપક્ષના પદ માટે ગૃહની કુલ બેઠકોના 10 ટકા બેઠકોની (ગુજરાતના કિસ્સામાં 19 બેઠકોની) જરૂર પડે છે.હાલ કોંગ્રેસ પાસે (કે બીજા કોઈ પણ પક્ષ પાસે) ગૃહમાં એટલી બેઠકો પણ નથી.
એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં કોંગ્રેસ પાર્ટી વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શકી નથી.બીજી તરફ હવે વિધાનસભા સચિવાલયે પણ અલ્ટીમેટમ આપીને પાર્ટીને 19મી સુધી વિપક્ષના નેતાનું પદ આપવા માટે કહ્યું છે.વિધાનસભા તરફથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખીને વિપક્ષ નેતાનું નામ આપવા માટે જણાવવામાં આવ્યું છે.
આમ તો ડેડલાઈનને એકાદ અઠવાડિયાનો સમય છે પરંતુ કોંગ્રેસમાં જ વિપક્ષના નેતાના પદને લઈને કોઈ ચહલપહલ જોવા મળી રહી નથી.નથી કોઈ નામ સામે આવી રહ્યાં કે ન કોઈ નેતાનું નિવેદન જોવા મળી રહ્યું છે.જેથી અહેવાલોમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે પાર્ટી વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવી શકે છે.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કુલ 17 ઉમેદવારો વિજયી બન્યા હતા.જેમાંથી મોટાભાગના ઉત્તર ગુજરાતમાંથી ચૂંટાયા હતા.અનેક મોટા નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો અને દાયકાઓથી પાર્ટીનો ગઢ રહેલી બેઠકો પણ હાથમાં રહી ન હતી.જેઓ ચૂંટાયા છે તેમાંથી જીગ્નેશ મેવાણી,તુષાર ચૌધરી જેવા અમુક મોટા ચહેરાઓ છે પરંતુ પાર્ટી ખુલીને નામ જાહેર નથી કરી શકતી કારણ કે અહીં નાની-નાની વાતોમાં નેતાઓ એકબીજાની સામા પડી જાય છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં પાર્ટી છોડીને ચાલ્યા જાય છે.
આ પહેલાં પણ અનેક પ્રસંગોએ કોંગ્રેસમાં આંતરિક
વિખવાદ ખુલીને સામે આવતો રહ્યો છે અને નેતાઓનાં
રાજીનામાં પડતાં રહ્યાં છે.આ ચૂંટણીમાં અનેક નેતાઓ એવા હતા જેઓ 2017માં કોંગ્રેસની ટિકિટ ઉપર અને આ વખતે ભાજપની ટિકિટ પર લડ્યા હતા.ત્યારે હવે માંડ
17 ઉમેદવારો ચૂંટાયા છે ત્યાં જો વધુ આંતરિક વિખવાદ સર્જાય તો વધુ વિકેટો પડે એવો પણ પાર્ટીને ડર હોય શકે.આંતરિક વિખવાદની જ વાત નીકળી છે તો એ પણ ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ વિપક્ષના નેતાને લઈને કકળાટ જોવા મળી રહ્યો છે.ગત વર્ષે કોંગ્રેસે AMCમાં શેહઝાદ ખાન પઠાણની વિપક્ષ નેતા તરીકે એક વર્ષ માટે નિમણૂંક કરી હતી.હવે તેમની ટર્મ પૂરી થઇ રહી હોવાનું કહીને પાર્ટીના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા બદલવાની માંગ કરી છે.
આ માંગને લઈને અમુક કોર્પોરેટરો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળ્યા પણ હતા.પાર્ટીએ ઉત્તરાયણ પછી આ પ્રશ્ન ઉકેલવા માટે કહ્યું છે.એ ખરેખર ઉકેલાશે કે પછી વિધાનસભાના વિપક્ષ નેતાની જેમ મામલો અધ્ધરતાલ રહેશે એ જોવું રહ્યું.