વડોદરામાં પુત્રીને પાણીમાં ડુબતા જોઇ તેને બચાવવા માટે બીજી પુત્રી અને માતા કેનાલમાં કૂદ્યા,એક દીકરીનું મોત

61

વડોદરા,તા.13 જાન્યુઆરી 2023,શુક્રવાર : વડોદરામાં આવેલી સમા કેનાલ પાસે કપડાં ધોતી વખતે એક બાળકીનો પગ લપસતાં તે કેનાલમાં ડૂબવા લાગી હતી.પુત્રીને કેનાલમાં ડૂબતી જોઇને માતા અને અન્ય પુત્રી પણ તેને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા.આ દુર્ઘટનામાં સ્થાનિકોએ માતા અને બન્ને પુત્રીને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા પરંતુ બાળકીનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં સમા પોલીસ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમા કેનાલમાં બપોરના સમયે એક શ્રમજીવી પરિવારની મહિલા તેની બે પુત્રીઓને લઇને કેનાલ કપડાં ધોવા ગઇ હતી માતા બન્ને પુત્રીની મદદથી કપડાં થઇ રહી હતી એ સમયે અચાનક પુત્રીનો પગ લપસતાં તે કેનાલમાં ખાબકી હતી.પુત્રીને પાણીમાં ડુબતા જોઇ તેને બચાવવા માટે બીજી પુત્રી અને માતા કેનાલમાં કૂદ્યા હતા.

મહિલા અને બે બાળકીઓને ડૂબતી જોઇને આસપાસની વસાહતમાં રહેતા લોકો કેનાલ પાસે દોડી આવ્યા હતા અને બે પુત્રીઓ અને મહિલાને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિક તરવૈયાએ ભારે જહેમત બાદ માતા અને તેની બન્ને પુત્રીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.જોકે પાણીમાં ડૂબી જવાથી એક બાળકીનું મોત નીપજ્યું હતું.જ્યારે માતા અને અન્ય પુત્રીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક રહીશો સાથે વાત કરતા તેમને ગુજરાતી જાગરણ ને જણાવ્યું હતું કે, કેનાલ પર ઝાળી લગાડવામાં આવી હતી.પરંતુ એ તૂટી ગઈ છે.અહીંયા પ્રવેશ દ્વાર ખાતે સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.જયારે સુરક્ષા કર્મી અહીંયા તૈનાત હોય તો આ લોકોને કેનાલ પર પ્રેવેશ કેવી રીતે મળ્યો.અહીંયા તૈનાત સુરક્ષા કર્મી તેમની ફરજ નિભાવતા નથી અને ફક્ત પગાર જ લઇ રહ્યા છે આ જે ઘટના ઘટી છે અને એકનું મોત નીપઝ્યું છે.તે ફક્ત ને ફક્ત સુરક્ષાકર્મીની ફરજ ચૂકના કારણે છે.

Share Now