મુંબઇ : કોરોના વાયરસ અને લોકડાઉનના સંકટ વચ્ચે પણ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીની વ્યક્તિગત સંપત્તિમાં જંગી વધારો થયો છે.તેની માહિતી અદાણી ગ્રૂપની કંપનીઓની માર્કેટકેપથી પ્રાપ્ત થઇ છે.વર્ષ 2020માં ભારતીય ઉદ્યોગપતિમાં ગૌતમ અદાણીની સંપત્તિ સૌથી વધુ વધી છે.
અદાણીની સંપત્તિ વર્ષ 2020માં અત્યાર સુધી 19.4 અબજ ડોલર વધીને 30.7 અબજ ડોલર થઇ ગઇ છે.જાન્યુઆરી બાદથી તેની ગ્રૂપની 6 લિસ્ટેડ કંપનીઓની માર્કેટકેપ 27 અબજ ડોલર (લગભગ 20.1 લાખ કરોડ રૂપિયા) વધી છે.
વિશ્વમાં સંપત્તિમાં વૃદ્ધિ દર્શાવનાર લોકોની યાદીમાં ગૌતમ અદાણી નવમાં સ્થાને છે.તેમની આગળ સ્ટીવ બોલ્મર, લેરી પેજ અને બિલ ગેટ્સ છે.આ યાંદીમાં સૌથી ટોચ ઉપર ટેસ્લાના એલન મસ્ક છે,જેની સંપત્તિ વર્ષ 2020માં 92 અબજ ડોલર વધીને 120 અબજ ડોલરે પહોંચી ગઇ છે.
તો એમેઝનના સ્થાપક જેફ બેઝોસની સંપત્તિ પણ ચાલુ વર્ષે 68 અબજ ડોલર વધી છે.ચીનની બેવરેઝ કંપની નોન્ફૂ સ્પ્રિંગના ઝોંગ શાનશાનની સંપત્તિમાં 57 અબજ ડોલરનો ઉમેરો થયો છે.
સંપત્તિમાં વૃદ્ધિના મામલે ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પણ પાછળ નથી.રિલાયન્સ ગ્રૂપની કંપનીઓની માર્કેટકેપમાં વૃદ્ધિથી મુકેશ અંબાણીની વ્યક્તિગત કંપનીમાં પણ વધારો થયો છે.આ ગ્રૂપની કંપનીઓની માર્કેટકેપમાં 16.9 અબજ ડોલરનો વધારો થયો છે.
ચાલુ વર્ષે અદાણી ગ્રૂપની કંપનીઓના માર્કેટકેપમાં અદાણી ગ્રીન,અદાણી એન્ટરપ્રાઇસિસ,અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનનું સૌથી વધુ યોગદાન રહ્યુ છે.
ઉલ્લેખિય છે કે, અદાણી ગ્રૂપનો શેર વર્ષ 2020માં 551 ટકા ઉછળ્યો છે.તો અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇશિસના શેર અનુક્રમે 103 ટકા અને 85 ટકા વધ્યા છે.અદાણી ટ્રાન્સમિશન 38 ટકા અને અદાણી પોર્ટ-સેઝ 4 ટકા વધ્યા છે.જો કે અદાણી પાવરના શેરમાં ચાલુ વર્ષે 38 ટકાનો ઘટાડો આવ્યો છે.
રસપ્રદ વાત એ છે કે શેરમાં ઘણી સારી તેજી આવવા છતાં મ્યુ.ફંડોએ અદાણી ગ્રૂપના શેરમાં ઘણો ઓછો રસ દર્શાવ્યો છે.ઘણા મ્યુ. ફંડોની પાસે અદાણી પોર્ટ્સની ચાર ટકા હિસ્સેદારી છે અને અદાણી એન્ટરપ્રાઇસિસની 1 ટકા હિસ્સેદારી છે. બાકી કંપનીઓમાં ફંડ હાઉસોનું એક્સપોઝર નગણ્ય જેટલુ છે.