તાઉતે વાવાઝોડાએ સોમવારે મધરાતથી મંગળવારે સાંજ સુધીમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં કહેર વર્તાવ્યો હતો.વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા અગાઉથી લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યુ હતું.ત્યારે લોકોના સ્થળાંતર સમયે ભરૂચ જિલ્લામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો.જેમાં વાવાઝોડાની ચિંતા વચ્ચે પોલીસ બ્રાહ્મણને શોધવા નીકળી હતી અને આની પાછળનું કારણ એવું હતું કે, ગ્રામજનોને જે આશ્રય કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા.તે કેમ્પ સુધી બ્રાહ્મણ ન પહોંચે તો લોકો કેમ્પમાંથી ચાલ્યા જાય તેમ હતા.
રિપોર્ટ અનુસાર વાવાઝોડાનું જોખમ ભરૂચ જિલ્લાના સમુદ્ર કાંઠાના તાલુકાઓ એટલે કે, હાંસોટ,વાગરા અને જંબુસર પર વધારે હતું અને આ જ કારણે આ ત્રણ તાલુકાના 100થી વધારે ગામડાના દરિયા કાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જે સમયે જ તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે કંટીયાજાળ ગામના લોકોએ શેલ્ટર હોમમાં જવાની મનાઈ કરી હતી.આ વાતની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ગામલોકોની સરત અનુસાર વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે પોલીસ ભૂદેવને શોધવા માટે નિકળી હતી.
આ બાબતે માહિતી મળી હતી કે, કંટીયાજાળ ગામમાં 18 મેના રોજ રેખા રાઠોડ નામની એક યુવતીના લગ્ન ઓલપાડના નિલેશ સાથે નિર્ધારિત થયા હતા.ઓલપાડથી જાના ગામમાં આવી પહોંચી હતી અને જો લગ્ન ન થાય અને જાન પાછી વળે તો ખોટા વહેમ ઉભો થાય તેવું ગ્રામજનોને લાગી રહ્યું હતું.આ જ કારણે ગામના લોકો વાવાઝોડાની સામે લડવા માટે પણ તૈયાર થયા હતા અને તેથી જ તેઓ લગ્ન વગર સેલ્ટર હોમમાં જવા તૈયાર ન હતા.આ વાતની જાણ ભરૂચ પોલીસને થતા પોલીસે રેખા રાઠોડના લગ્ન નિલેશ સાથે કરાવવાની જવાબદારી ઉઠાવી અને ગ્રામજનોને કેમ્પમાં લઈ ગઈ હતી.ગામજનોને કેમ્પમાં લઇ ગયા બાદ પોલીસ દ્વારા ભૂદેવને પણ શોધવામાં આવ્યા હતા અને તેમને લઇને પોલીસ કેમ્પમાં પહોંચી હતી અને ત્યાં ગણતરીના લોકોની હાજરીમાં રેખા અને નીલેશના લગ્ન કરાવવામાં આવ્યા હતા.વાવાઝોડાની પરિસ્થિતિ પૂર્ણ થયા બાદ રેખાની વિદાય આપવામાં આવી હતી.
આ બાબતે હાંસોટના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, એક તરફ ગામ લોકો જીદ હતી તો બીજી તરફ વાવાઝોડાનું જોખમ હતું અને આ સમસ્યાનો વચલો માર્ગ કાઢવા માટે સેલ્ટર હોમમાં લગ્ન વિધિ કરાવવામાં આવી હતી.